તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
જાપાનમાં ભારતીય પેરા સ્વિમરની શરમજનક હરકતઃ મહિલા કર્મચારીની છેડતીના આરોપ બાદ ભારત પરત મોકલાયો
એશિયન પેરા ગેમ્સ દરમિયાન હોટલમાં બની ઘટનાઃ પેરાલિમ્પિક કમિટી આજીવન પ્રતિબંધ મૂકવા વિચારણા કરી રહી હોવાના અહેવાલ

નવી દિલ્હીઃ જાપાનના નાગોયામાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સ દરમિયાન ભારતીય પેરા સ્વિમર મોહમ્મદ શમ્સ આલમ શેખ સામે મહિલા હોટલ કર્મચારીની છેડતી અને અયોગ્ય વર્તન કર્યાનો ગંભીર આરોપ લાગતાં ભારતીય રમતજગતમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે જાપાનની પોલીસે સ્વિમરને અટકાયતમાં લીધો હતો અને ત્યારબાદ તેને ભારત પરત મોકલી દેવામાં આવ્યો હતો. મળતા અહેવાલો મુજબ, આ ઘટના સોમવારે ભારતીય પેરા સ્વિમિગ ટીમ જે હોટલમાં રોકાઈ હતી ત્યાં બની હતી. હોટલની એક મહિલા કર્મચારી રૂમમાં હાઉસકીપિગની કામગીરી કરી રહી હતી ત્યારે સ્વિમરે તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ છે. મહિલા કર્મચારીએ પોતાના ઉપરી અધિકારીઓને જાણ કરતાં મામલો હોટલના સંચાલકો, સ્થાનિક આયોજકો અને જાપાની પોલીસ સુધી પહોંચ્યો હતો.
ભારતીય પ્રતિનિધિમંડળે માફી માગી
ઘટનાની જાણ થતાં જાપાનની પોલીસે સ્વિમરને પૂછપરછ માટે અટકાયતમાં લીધો હતો. અહેવાલો અનુસાર, ભારતીય પ્રતિનિધિમંડળે હોટલના સંચાલકો અને સંબંધિત મહિલા કર્મચારી સમક્ષ લેખિત માફી પણ માગી હતી. ત્યારબાદ સ્વિમરને ભારત પરત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં ભારતીય પ્રતિનિધિમંડળની છબી સામે પણ સવાલો ઊભા થયા છે.
આજીવન પ્રતિબંધની શક્યતાઃ મોહમ્મદ શમ્સ આલમ શેખ અગાઉ પેરા સ્વિમિગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે અને તેની ઓળખ એક સમયે વિશ્વના અગ્રણી ખેલાડીઓમાં થતી હતી. જોકે, હાલ તેના પર લાગેલા આરોપોને પગલે તેની રમતગમતની કારકિર્દી સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. અહેવાલો મુજબ, ભારતીય પેરાલિમ્પિક કમિટી (PCI) આ મામલે ગંભીર કાર્યવાહી કરવા વિચારી રહી છે. ખેલાડી પર આજીવન પ્રતિબંધ મૂકવા અંગે પણ વિચારણા થઈ શકે છે. જોકે, આજીવન પ્રતિબંધ અંગેનો અંતિમ નિર્ણય સત્તાવાર રીતે જાહેર થયો હોવાની પુષ્ટિ નથી. સમગ્ર મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર રમતજગતની નજર મંડાઈ છે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
