તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Saturday, 2nd May 2026
અમેરિકાના લોસ એન્જલસમાં ભારતીય મૂળની મહિલાનો ડંકો: મેયર પદની રેસમાં નિત્યા રમન સૌથી આગળ, શું બનશે LA ના પ્રથમ દક્ષિણ એશિયાઈ મેયર?
કેરળમાં જન્મેલી ૪૪ વર્ષીય નિત્યા રમનની જીતની ૬૦ ટકા શક્યતા; હાઉસિંગ અને ગવર્નન્સ સુધારાના એજન્ડા સાથે વર્તમાન મેયર કારેન બાસને આપી રહ્યા છે જોરદાર ટક્કર

લોસ એન્જલસ: અમેરિકાના સૌથી પ્રભાવશાળી શહેરોમાંના એક એવા લોસ એન્જલસ (LA) ના રાજકારણમાં હાલમાં એક ભારતીય નામની જોરદાર ચર્ચા થઈ રહી છે. કેરળમાં જન્મેલી અને વ્યવસાયે અર્બન પ્લાનર એવી નિત્યા રમન ૨૦૨૬ની મેયર પદની ચૂંટણીમાં મુખ્ય દાવેદાર તરીકે ઉભરી આવી છે. તાજેતરના પોલિંગ ડેટા અને 'પોલીમાર્કેટ'ના અંદાજ મુજબ, નિત્યા રમન આ રેસમાં ૬૦ ટકાની જીતની સંભાવના સાથે સૌથી આગળ ચાલી રહ્યા છે.
કેરળથી કેલિફોર્નિયા સુધીની સફર
૨૮ જુલાઈ, ૧૯૮૧ના રોજ કેરળના તમિલ પરિવારમાં જન્મેલી નિત્યા રમન છ વર્ષની ઉંમરે અમેરિકા સ્થાયી થયા હતા. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ થીયરી અને પ્રખ્યાત MIT માંથી અર્બન પ્લાનિંગમાં માસ્ટર્સની પદવી મેળવી છે. નિત્યાએ ચેન્નાઈમાં સ્વચ્છતા સુધારવા માટે એક રિસર્ચ સંસ્થા પણ સ્થાપી હતી, જે તેમના સામાજિક કાર્યો પ્રત્યેના લગાવને દર્શાવે છે. ૨૦૨૦માં તેઓ પ્રથમ વખત સિટી કાઉન્સિલમાં ચૂંટાઈને આવ્યા હતા, જે વિજયને મીડિયાએ 'રાજકીય ભૂકંપ' તરીકે ઓળખાવ્યો હતો.
મેયર પદ માટે ‘સરપ્રાઈઝ એન્ટ્રી’
નિત્યા રમનની મેયર પદની ઉમેદવારીએ સૌને ચોંકાવી દીધા હતા, કારણ કે તેમણે ફાઇલિંગની છેલ્લી ઘડીએ પોતાની દાવેદારી નોંધાવી હતી. ખાસ વાત એ છે કે તેમણે વર્તમાન મેયર કારેન બાસ સામે સીધો પડકાર ફેંક્યો છે. નિત્યાના પ્રચાર અભિયાનમાં હજારો સ્વયંસેવકો જોડાયેલા છે અને તેઓ ખાસ કરીને યુવા મતદારો અને ભાડુઆતોમાં લોકપ્રિય છે. ન્યૂયોર્કના મેયર ઝોહરાન મામદાની સાથે પણ તેમની સરખામણી કરવામાં આવી રહી છે.
મુખ્ય એજન્ડા અને પડકારો
નિત્યા રમનનું વિઝન લોસ એન્જલસમાં હાઉસિંગની અછત દૂર કરવા, બેઘર લોકોની સમસ્યા હલ કરવા અને શહેરના વહીવટમાં પારદર્શિતા લાવવા પર કેન્દ્રિત છે. તેમણે ફિલ્મી ઉદ્યોગને શહેરમાં ટકાવી રાખવા માટે પણ મજબૂત આર્થિક નીતિઓની હિમાયત કરી છે. નિત્યાએ સ્પષ્ટ કર્યું છે કે, "લોસ એન્જલસ હાલમાં કટોકટીના તબક્કે છે અને લોકોને હવે મૂળભૂત સુવિધાઓમાં પરિવર્તન જોઈએ છે". આગામી ૨ જૂનના રોજ યોજાનારી પ્રાઈમરી ચૂંટણીમાં આ ભારતીય મૂળની મહિલા ઈતિહાસ રચે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
