<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

અમેરિકામાં ભારતીય મૂળની મહિલાની સનસનાટીભર્યા ડબલ મર્ડર કેસમાં ધરપકડ: બે મલયાલી મિત્રોની હત્યા પાછળનું રહસ્ય ઘેરાયું

૯ દિવસના ટૂંકા ગાળામાં જ બે દર્દનાક હત્યાકાંડોથી ભારતીય સમુદાય સ્તબ્ધ: યુએસ પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

વોશિંગ્ટન : અમેરિકામાં ભારતીય મૂળના સમુદાયને હચમચાવી મૂકે તેવી એક સનસનાટીભર્યા ઘટના સામે આવી છે. અમેરિકન પોલીસે ૯ દિવસના ટૂંકા ગાળામાં પોતાના જ બે મલયાલી મિત્રોની કથિત રીતે નૃશંસ હત્યા કરવાના આરોપસર ભારતીય મૂળની એક મહિલાની ધરપકડ કરી છે. એક પછી એક થયેલી આ બે પાસવિક હત્યાઓના કારણે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

 

પોલીસ દ્વારા મળતી પ્રાથમિક વિગતો મુજબ, મૃતક બંને વ્યક્તિઓ અને આરોપી મહિલા વચ્ચે નજીકના સંબંધો હતા અને તેઓ એકબીજાના પરિચિત હતા. પરંતુ માત્ર ૯ દિવસના સમયગાળામાં જ બે અલગ-અલગ સ્થળોએ આ જ રીતે હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તપાસ સંસ્થાઓએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને ટેકનિકલ તથા ફોરેન્સિક પુરાવાઓના આધારે શંકાસ્પદ મહિલાની ધરપકડ કરી લીધી છે.

 

તપાસ અધિકારીઓ હાલમાં આ ઘાતકી હત્યાઓ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહ્યા છે. આ ગુના પાછળ કોઈ અંગત વૈમનસ્ય, આર્થિક લેવડ-દેવડ કે પછી અન્ય કોઈ ગંભીર વિવાદ જવાબદાર છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.

 

હાલમાં પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ કડક કાનૂની કલમો હેઠળ ગુનો નોંધીને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ભારતીય મૂળના લોકો સામે બનતા આવા સંગીન ગુનાઓને કારણે વિદેશમાં વસતા ભારતીય વર્તુળોમાં ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(8:16 PM IST)