તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 14th November 2026
બ્રિટનમાં ભારતીય મૂળના વિદ્યાર્થીનું શરમજનક કૃત્ય: સોશિયલ મીડિયા પર 70 સગીરાઓને જાળમાં ફસાવી બ્લેકમેલ કરનારને 30 વર્ષની જેલ
સ્નેપચેટ અને ગેમિંગ એપ્સ પર સગીર વયની ઓળખ ઊભી કરી 11 થી 17 વર્ષની કિશોરીઓના અશ્લીલ ફોટા-વીડિયો મેળવી શોષણ કરતો હતો; કોર્ટે આરોપીને 'અત્યંત ખતરનાક' ગણાવ્યો

લંડન: બ્રિટનમાં અભ્યાસ અર્થે ગયેલા ભારતીય મૂળના એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આચરેલા ગંભીર સાયબર અને જાતીય ગુના બદલ સ્થાનિક અદાલતે તેને 30 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. યુનિવર્સિટી ઓફ ચેસ્ટરમાં અભ્યાસ કરતા 27 વર્ષીય બિલાલ કાઝીએ ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાની ખોટી ઓળખ ઊભી કરીને અંદાજે 70 જેટલી સગીર છોકરીઓને પોતાની જાળમાં ફસાવી હતી અને તેમનું જાતીય શોષણ કરી બ્લેકમેલિંગ આચર્યું હતું.
શું હતી સમગ્ર મોડસ ઓપરેન્ડી?
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, બિલાલ કાઝી સ્નેપચેટ (Snapchat), વિઝ (Wizz) અને વિવિધ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ બનાવતો હતો. તે પોતાની ઉંમર છુપાવીને 14 વર્ષની આસપાસની સગીર વયની ઓળખ આપતો હતો અને કિશોરીઓનો વિશ્વાસ જીતી પ્રેમસંબંધનું નાટક રચતો હતો. એકવાર કિશોરીઓ વિશ્વાસમાં આવી જાય ત્યારબાદ તે તેમની પાસેથી અંગત અને અશ્લીલ ફોટા-વીડિયો મંગાવતો હતો.
જો કોઈ કિશોરી વધુ ફોટા મોકલવાનો ઇનકાર કરે તો બિલાલ અગાઉ મેળવેલા ફોટા-વીડિયો તેમના પરિવારજનો અને મિત્રોને મોકલી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો. કેટલાક કિસ્સાઓમાં તો તેણે પીડિતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને તેમના અંગત ફોટા તેમના જ કોન્ટેક્ટ લિસ્ટમાં વાયરલ કરી દીધા હતા. આ માનસિક ત્રાસને કારણે અનેક સગીરાઓ ડિપ્રેશનનો ભોગ બની હતી.
હિથ્રો એરપોર્ટ પરથી ઝડપાયો હતો આરોપી
ઓગસ્ટ 2021 થી ઓગસ્ટ 2025 દરમિયાન આચરવામાં આવેલા આ ગુનાઓની તપાસ ચેસ્ટર પોલીસ (Cheshire Constabulary) દ્વારા હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બિલાલ બ્રિટન છોડીને ભાગી ગયો હતો, પરંતુ 21 જુલાઈ 2023ના રોજ જ્યારે તે પરત ફર્યો ત્યારે લંડનના હિથ્રો એરપોર્ટ પરથી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસમાં 180 જેટલા સંભવિત યુઝરનેમ મળી આવ્યા હતા, જેમાંથી બ્રિટનના 28 પોલીસ વિસ્તારોમાં રહેતી 11 થી 17 વર્ષની 70 સગીર પીડિતાઓની ઓળખ થઈ હતી.
કોર્ટનું આકરૂં વલણ અને સજાની જોગવાઈઓ
બિલાલ કાઝીએ બાળકોના અશ્લીલ ફોટા બનાવવા, બ્લેકમેલિંગ અને સગીરાઓને જાતીય પ્રવૃત્તિ માટે મજબૂર કરવા સહિતના 37 ગંભીર આરોપો સ્વીકારી લીધા હતા. શુક્રવારે (13 નવેમ્બર) ચુકાદો સંભળાવતા જજ સ્ટીફન એવરેટે આરોપીને 'અત્યંત ખતરનાક વ્યક્તિ' ગણાવતા કહ્યું હતું કે, "તમે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને માસૂમ બાળકોના ઘરની સુરક્ષા પણ છીનવી લીધી છે."
કોર્ટે ફટકારેલી 30 વર્ષની સજા મુજબ, બિલાલ ઓછામાં ઓછા 20 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ જ પેરોલ માટે અરજી કરી શકશે. આ ઉપરાંત, તેનું નામ આજીવન 'સેક્સ ઓફેન્ડર્સ રજિસ્ટર'માં સામેલ રહેશે અને જેલમુક્તિ બાદ પણ 8 વર્ષ સુધી તેના પર કડક કાયદાકીય નિયંત્રણો અને પોલીસ દેખરેખ રહેશે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
