News of Thursday, 14th May 2026
ભારતીય નૌકાદળે ઢાલ બનીને હોર્મુઝ સ્ટ્રેટમાંથી બે LPG જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા
ભારતના ઈંધણ પુરવઠાને સુરક્ષિત રાખવા નૌસેનાએ વધારાના ટાસ્ક ફોર્સ તૈનાત કર્યા

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં રક્ષક બનીને ઉભરી છે. છેલ્લા 48 કલાકમાં નૌકાદળે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા બે મહાકાય LPG જહાજોને સુરક્ષિત રીતે એસ્કોર્ટ કર્યા છે. માર્શલ આઇલેન્ડ્સનો ધ્વજ ધરાવતું 'SYMI' જહાજ 19,965 મેટ્રિક ટન ગેસ લઈને 16 મેના રોજ ગુજરાતના કંડલા બંદર પર પહોંચશે. જ્યારે વિયેતનામનું 'સનશાઇન' જહાજ 46,487 મેટ્રિક ટન LPG સાથે 18 મે સુધીમાં ન્યૂ મેંગલુરુ બંદર પર પહોંચવાની ધારણા છે.
બંદરો અને શિપિંગ મંત્રાલયના અધિકારી મુકેશ મંગલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 13 જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જોકે આ જહાજો વિદેશી ધ્વજ ધરાવે છે, પરંતુ તેમનો કાર્ગો ભારત માટે હોવાથી નૌકાદળ તેમને રક્ષણ પૂરું પાડી રહી છે. પર્શિયન ગલ્ફમાં યુદ્ધ જેવી સ્થિતિ ફાટી નીકળ્યા પછી, ભારતીય નૌકાદળે દરિયાઈ માર્ગો પર વધારાના ટાસ્ક ફોર્સ તૈનાત કર્યા છે.
દરિયાઈ સુરક્ષા વચ્ચે એક ચિંતાજનક સમાચાર પણ સામે આવ્યા છે. ગુજરાતના દેવભૂમિ દ્વારકાના સલાયા બંદર પર નોંધાયેલું 'હાજી અલી' જહાજ શંકાસ્પદ ડ્રોન હુમલાનો શિકાર બન્યું છે. સોમાલિયાથી શારજાહ જઈ રહેલું આ જહાજ ઓમાનના રિયા કિનારે ડૂબી ગયું હતું. સદનસીબે, જહાજમાં સવાર તમામ 14 ભારતીય ક્રૂ સભ્યોને ઓમાની સત્તાવાળાઓએ બચાવી લીધા છે અને તેઓ ટૂંક સમયમાં ભારત પરત ફરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દરિયાઈ ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા છે. નૌકાદળના યુદ્ધજહાજો ઓમાનના અખાતથી લઈને ઉત્તર અરબી સમુદ્ર સુધી સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે, જેથી ભારતીય બંદરો તરફ આવતા ઈંધણ પુરવઠામાં કોઈ અડચણ ન આવે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
