News of Sunday, 12th April 2026
ભારતીય સંગીતની ‘સ્વર કોકિલા’ આશા ભોંસલેનું નિધન: ‘દમ મારો દમ’ જેવા ક્રાંતિકારી ગીતો પાછળના વિવાદો અને પ્રતિબંધોનો રોમાંચક ઈતિહાસ
૯૨ વર્ષની વયે ગાયિકાએ મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ડ્રગ્સ કલ્ચરના આરોપમાં રેડિયો પર પ્રતિબંધિત થયેલા ગીતે કેવી રીતે બદલી નાખ્યું બોલિવૂડનું સંગીત અને ૧૨ હજાર ગીતોની અવિસ્મરણીય સફર

મુંબઈ:ભારતીય સંગીત જગતની સૌથી બહુમુખી પ્રતિભા ધરાવતા ગાયિકા આશા ભોંસલેનું ૯૨ વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટને કારણે અવસાન થતા સંગીતના એક યુગનો કરુણ અંત આવ્યો છે. શનિવારે તબિયત લથડતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રવિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આશા તાઈના નિધનથી માત્ર ફિલ્મ ઉદ્યોગ જ નહીં, પરંતુ વિશ્વભરમાં ફેલાયેલા તેમના ચાહકો શોકમાં ડૂબી ગયા છે. ૧૯૪૩માં મરાઠી ફિલ્મ 'માઝા બાલ' થી શરૂ થયેલી તેમની સફર ૮ દાયકા સુધી અવિરત ચાલી હતી, જેમાં તેમણે ૨૦થી વધુ ભાષાઓમાં ૧૨,૦૦૦થી વધુ ગીતોને પોતાનો સુમધુર અવાજ આપીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.
આશા ભોંસલેની કારકિર્દીના અનેક યાદગાર કિસ્સાઓમાં ૧૯૭૧ની ફિલ્મ 'હરે રામા હરે કૃષ્ણા'નું ગીત "દમ મારો દમ..." સૌથી વધુ ચર્ચાસ્પદ રહ્યું છે. આર.ડી. બર્મનના સંગીત નિર્દેશનમાં ગવાયેલું આ ગીત આજે ભલે ક્લાસિક ગણાય, પરંતુ રિલીઝ સમયે તે મોટા વિવાદોમાં ફસાયું હતું. આ ગીતમાં હિપ્પી સંસ્કૃતિ, નશો અને પાશ્ચાત્ય જીવનશૈલીનું જે રીતે ચિત્રણ કરવામાં આવ્યું હતું, તેનાથી તત્કાલીન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ડ્રગ્સના દુરુપયોગને પ્રોત્સાહન આપવાના ગંભીર આરોપસર આ ગીત પર ઓલ ઈન્ડિયા રેડિયો અને ટેલિવિઝન પર લાંબા સમય સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં, યુવા પેઢીમાં આ ગીતનું ઘેલું એવું લાગ્યું હતું કે તે સમય જતાં એક ‘કલ્ટ ક્લાસિક’ બની ગયું.
માત્ર ૧૦ વર્ષની નાની વયે પિતાના નિધન બાદ પરિવારની જવાબદારી સંભાળવા સંગીત ક્ષેત્રે પદાર્પણ કરનાર આશાજીએ લતા મંગેશકરના પડછાયામાંથી બહાર આવીને પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેમણે શાસ્ત્રીય સંગીતથી લઈને કેબરે, ગઝલ અને પોપ સંગીતમાં જે વૈવિધ્ય બતાવ્યું તે અન્ય કોઈ ગાયિકા માટે અશક્ય હતું. "ચલા ચલા નવ બાલા" થી શરૂ થયેલી યાત્રામાં તેમણે 'પિયા તુ અબ તો આજા', 'ઇન આંખો કી મસ્તી' અને 'દિલ ચીઝ ક્યા હૈ' જેવા અસંખ્ય સુપરહિટ ગીતો આપ્યા છે. તેમનું નિધન એ ભારતીય સંસ્કૃતિના એક અનમોલ રત્નની વિદાય છે, પરંતુ તેમનો અવાજ આવનારી અનેક પેઢીઓ સુધી ગુંજતો રહેશે. મુંબઈમાં આજે સાંજે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવે તેવી શક્યતા છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
