તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
ભારતીય મેડિકલ વિદ્યાર્થીએ AI દ્વારા નકલી મહિલા ઇન્ફ્લુએન્સર બનાવી અમેરિકાના કન્ઝર્વેટિવ અને 'MAGA' વિચારધારા ધરાવતા લોકો પાસેથી લાખો પડાવ્યા : ચાહકોને કહ્યા 'સુપર ડમ્બ'
ગૂગલ જેમિનીની સલાહ પર 'એમિલી હાર્ટ' નામનું પાત્ર ઊભું કરી મેડિકલ અભ્યાસની ફી ભરી : જેનિફર લોરેન્સ જેવો દેખાવ અને કટ્ટર રાજકીય પોસ્ટ દ્વારા મિલીયન્સમાં વ્યૂઝ મેળવી ઉભું કર્યું મોટું કૌભાંડ

ન્યૂયોર્ક:ભારતના એક ૨૨ વર્ષીય મેડિકલ વિદ્યાર્થીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને એક એવું વ્યવસ્થિત કૌભાંડ રચ્યું છે જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ વિદ્યાર્થીએ અમેરિકાના કન્ઝર્વેટિવ અને 'MAGA' (મેક અમેરિકા ગ્રેટ અગેઈન) વિચારધારા ધરાવતા લોકોને નિશાન બનાવીને 'એમિલી હાર્ટ' નામની એક નકલી AI ઇન્ફ્લુએન્સર બનાવી હતી. આ ફેક પ્રોફાઇલ દ્વારા તેણે દર મહિને હજારો ડોલરની કમાણી કરી પોતાના ડોક્ટર બનવા માટેના અભ્યાસની ફી અને લાયસન્સિંગ એક્ઝામનો ખર્ચ પૂરો કર્યો હતો.
જેમિની AI એ આપી હતી 'ટાર્ગેટ' કરવાની સલાહ:
સેમ તરીકે ઓળખાતા આ વિદ્યાર્થીએ વાયર્ડ (WIRED) ને આપેલા ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે તે આર્થિક તંગીમાં હતો, ત્યારે તેણે ગૂગલના 'જેમિની' AI ચેટબોટ પાસે બિઝનેસ આઈડિયા માંગ્યો હતો. જેમિનીએ તેને અમેરિકાના 'MAGA/કન્ઝર્વેટિવ' વર્ગને ટાર્ગેટ કરવાની સલાહ આપી હતી, કારણ કે આ પ્રેક્ષકો પાસે વધુ ખર્ચવા યોગ્ય નાણાં (disposable income) હોય છે અને તેઓ વધુ વફાદાર હોય છે. આ સલાહને સેમે એક 'ચીટ કોડ' તરીકે સ્વીકારી હતી.
એમિલી હાર્ટનું પાત્ર અને પ્રોપેગન્ડા:
સેમે એમિલી હાર્ટ નામની ૨૨ વર્ષીય નકલી નર્સનું પાત્ર બનાવ્યું, જેનો દેખાવ હોલીવુડ અભિનેત્રી જેનિફર લોરેન્સ જેવો હતો. આ પાત્રને હથિયાર પ્રેમી, ઇમિગ્રન્ટ વિરોધી અને કટ્ટર ખ્રિસ્તી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. સેમ ક્યારેય અમેરિકા ગયો નહોતો, તેમ છતાં તે એમિલીના નામે અમેરિકન ધ્વજ, રાઈફલ્સ, અને ગર્ભપાત વિરોધી પોસ્ટ મુકતો હતો. તેની 'રેજ બેઈટ' (ગુસ્સો અપાવે તેવી પોસ્ટ) ને કારણે ઇન્સ્ટાગ્રામ પર માત્ર એક મહિનામાં જ ૧૦,૦૦૦ થી વધુ ફોલોઅર્સ થઈ ગયા હતા અને તેની રીલ્સ પર ૩ થી ૧૦ મિલિયન સુધીના વ્યૂઝ મળવા લાગ્યા હતા.
મોનેટાઈઝેશન અને લાખોની કમાણી:
જ્યારે ફોલોઅર્સ વધ્યા ત્યારે સેમે ફેનવ્યુ (Fanvue) એકાઉન્ટ દ્વારા કમાણી શરૂ કરી. તેણે ગ્રોક (Grok) AI નો ઉપયોગ કરીને એમિલીના અશ્લીલ ફોટા બનાવ્યા અને સબસ્ક્રાઇબર્સ પાસેથી નાણાં વસૂલ્યા. આ ઉપરાંત, તેણે લોકશાહી વિરોધી સૂત્રો લખેલા ટી-શર્ટ વેચીને પણ કમાણી કરી હતી. સેમ દિવસની માત્ર ૩૦ થી ૫૦ મિનિટ ફાળવીને લાખો રૂપિયા કમાતો હતો. તેણે કહ્યું કે ભારતમાં પ્રોફેશનલ નોકરીમાં પણ આટલા પૈસા કમાવવા શક્ય નથી.
વિવાદિત ટિપ્પણી અને એકાઉન્ટ પર પ્રતિબંધ:
સેમે પ્રયોગ કરવા માટે ઉદારમતવાદી (Liberal) વર્ગ માટે પણ નકલી એકાઉન્ટ બનાવ્યું હતું, પરંતુ તે સફળ ન થયું. તેના મતે, ડેમોક્રેટ્સ સમજી જાય છે કે આ AI કન્ટેન્ટ છે, જ્યારે MAGA સમર્થકો 'સુપર ડમ્બ' (અત્યંત મૂર્ખ) હોવાથી સરળતાથી છેતરાઈ જાય છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેબ્રુઆરીમાં આ એકાઉન્ટ 'ફ્રોડ' ગણીને બંધ કરવામાં આવ્યું હતું. જોકે, આટલી મોટી છેતરપિંડી કર્યા બાદ પણ સેમને કોઈ પસ્તાવો નથી. તેણે જણાવ્યું કે તે આને છેતરપિંડી નથી માનતો, કારણ કે લોકોને જે જોઈતું હતું તે મળ્યું અને તેને તેના બદલામાં પૈસા મળ્યા.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
