તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
ઓફશોર ફંડ્સ માટે ટેક્સ નિયમો સરળ બનાવવા ભારત સરકારનું વરદાનરૂપ કદમ: ભારતીય ફંડ મેનેજરોની નિમણૂક પર ટેક્સ લાગુ નહીં થાય, વિદેશી રોકાણને મળશે નવું બળ
ડ્રાફ્ટ બિલમાં સેફ હાર્બર નિયમો હેઠળ ₹૧ અબજના લઘુત્તમ ફંડ અને રોકાણકાર વૈવિધ્યકરણની શરતો રદ કરવાનો પ્રસ્તાવ: ભારતને ગ્લોબલ ફંડ મેનેજમેન્ટ હબ બનાવવાની દિશામાં મોટો નિર્ણય.

નવી દિલ્હી: ભારત સરકાર દેશમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા અને ભારતને વૈશ્વિક ફંડ મેનેજમેન્ટ હબ તરીકે પ્રસ્થાપિત કરવા માટે કર કાયદાઓમાં મોટો સુધારાત્મક પ્રસ્તાવ લાવી છે. પ્રસ્તાવિત નવા કાયદાકીય ડ્રાફ્ટ મુજબ, ભારતમાં સ્થિત ફંડ મેનેજરોની સેવાઓ લેતા ઓફશોર (વિદેશી) રોકાણ ફંડ્સને ભારતીય ટેક્સ જવાબદારીઓમાંથી મુક્તિ આપવા માટે સેફ હાર્બર (Safe Harbour) નિયમો અત્યંત સરળ બનાવવામાં આવી રહ્યા છે. આ પગલાથી વિદેશી ફંડ્સ ભારતીય મેનેજરોની નિમણૂક કરતી વખતે વધારાના કરવેરાના જોખમથી મુક્ત થઈ શકશે.
હાલની વ્યવસ્થા મુજબ, વિદેશી ફંડે ભારતીય ટેક્સમાંથી બચવા માટે ₹૧ અબજ (₹૧૦૦ કરોડ) નું લઘુત્તમ ભંડોળ જાળવવું, ઓછામાં ઓછા ૨૦ રોકાણકારો હોવા અને કોઈ એક રોકાણકારનો હિસ્સો ૨૫ ટકાથી વધુ ન હોય તેવી જટિલ શરતો પૂરી કરવી પડતી હતી. જો ફંડ આ શરતો પૂરી ન કરી શકે તો તેના ભારત-આધારિત નફા પર ૩૮ ટકા સુધીનો ભારે ટેક્સ લાદવાનું જોખમ રહેતું હતું. નવા ડ્રાફ્ટ બિલમાં લઘુત્તમ ફંડ સાઈઝ અને ૨૦ રોકાણકારોની આ બંને કડક મર્યાદાઓ રદ કરવાનો પ્રસ્તાવ મુકાયો છે, જેથી ફંડના કદ કે સાંદ્રતાને ધ્યાનમાં લીધા વિના વિદેશી રોકાણકારો ભારતીય મેનેજરોનો ઉપયોગ કરી શકશે.
જોકે, કર ચોરી અટકાવવા માટે સરકારે કેટલાક જરૂરી નિયંત્રણો યથાવત રાખ્યા છે. આ મુક્તિ મેળવવા માટે ઓફશોર ફંડમાં સ્થાનિક ભારતીય રોકાણકારોનો હિસ્સો ૫ ટકાથી વધુ ન હોવો જોઈએ અને ફંડ ભારતમાં આવેલી કંપનીઓ કે વ્યવસાયો પર સીધું નિયંત્રણ ધરાવતું ન હોવું જોઈએ. તાજેતરના સમયમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા થઈ રહેલા ઉપાડ વચ્ચે કરવેરાની જટિલતાઓ દૂર થવાથી સ્થાનિક ફંડ મેનેજમેન્ટ ઉદ્યોગને બૂસ્ટર ડોઝ મળશે. સંસદની મંજૂરી બાદ આ પ્રસ્તાવિત કાયદો દેશભરમાં અમલી બનશે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
