તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
કેનેડામાં ભારતીય યુવતીની નૃશંસ હત્યાનો મામલો: સાત મહિનાથી ફરાર ૩૨ વર્ષીય આરોપી વિમાનમથકેથી ઝડપાયો, ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો ગુનો દાખલ
ટોરોન્ટોમાં ગત ડિસેમ્બરમાં બન્રયા હિમાંશી ખુરાના હત્યાકાંડમાં ઇન્ટરપોલ અને સ્થાનિક એજન્સીઓના સંયુક્ત ઓપરેશન બાદ અબ્દુલ ગફૂરી નામના શંકાસ્પદની ધરપકડ કરાઇ, કાનૂની કાર્યવાહી તેજ

નવી દિલ્હી કેનેડામાં ગત વર્ષના ડિસેમ્બર મહિનામાં એક ભારતીય મૂળની યુવતીની હત્યાના ચકચારી કેસમાં કેનેડિયન પોલીસ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા સાંપડી છે. આ કેસમાં સાત મહિનાથી વધુ સમયથી ફરાર રહેલા ૩૨ વર્ષીય આરોપીની ટોરોન્ટો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક મીડિયા અને સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી વિરુદ્ધ ફર્સ્ટ ડિગ્રી મર્ડર (પૂર્વઆયોજિત હત્યા)નો ગંભીર ગુનો દાખલ કરીને તેને અદાલત સમક્ષ રજૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
મળતી વિસ્તૃત વિગતો મુજબ, આ સમગ્ર મામલો ગત વર્ષના ડિસેમ્બરમાં સામે આવ્યો હતો, જ્યારે ટોરોન્ટો સ્થિત એક મકાનમાંથી ૩૦ વર્ષીય ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તપાસ બાદ આ ઘટનાને સ્પષ્ટપણે હત્યા ગણાવી હતી અને તપાસમાં બહાર આવ્યું હતું કે હિમાંશી ખુરાના અને આરોપી અબ્દુલ ગફૂરી વચ્ચે અંગત સંબંધો હતા. ઘટના બન્યા બાદ આરોપી અબ્દુલ ગફૂરી દેશ છોડીને ભાગી છૂટ્યો હતો, જેના કારણે કેનેડાની સુરક્ષા એજન્સીઓએ તેની સામે દેશવ્યાપી ધરપકડ વોરંટ પણ જારી કર્યું હતું.
કેનેડાની ફ્યુજિટિવ સ્ક્વોડ તેમજ હોમિસાઇડ એન્ડ મિસિંગ પર્સન્સ યુનિટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સતત સંપર્ક જાળવીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. વિદેશથી પરત ફરી રહેલા ગફૂરીને શુક્રવારે, ૭ ઓગસ્ટના રોજ ટોરોન્ટો એરપોર્ટ પરથી જ ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને શનિવારે ટોરોન્ટો રીજનલ બેઇલ સેન્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં આ દુઃખદ ઘટના ઘટી ત્યારે ટોરોન્ટો સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે તેઓ પીડિત પરિવારના સતત સંપર્કમાં છે અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યા છે. સાત મહિનાથી વધુ સમય બાદ આરોપીની ધરપકડ થતાં આ કેસમાં ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનવાની આશા જાગી છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
