તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
હોર્મુઝમાં ભારતીયો પર હુમલાથી ભારતીય વિદેશ મંત્રાલય લાલચોળ: ઈરાન અને અમેરિકા બંનેને ભારતે ભણાવ્યો રાજદ્વારી પાઠ
હોર્મુઝમાં ક્રુઝ મિસાઈલ હુમલામાં ભારતીય નાવિકના મોત અને અનેક નાગરિકોના ઘાયલ થવા મુદ્દે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદૂતને આપી ગંભીર પરિણામોની ચેતવણી : અગાઉ યુએસ નેવીના હુમલા મુદ્દે અમેરિકાને પણ ખખડાવ્યું હતું

નવી દિલ્હી : વૈશ્વિક તેલ વ્યાપાર માટે સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ ગણાતી હોર્મુઝ હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના ભીષણ સઘર્ષને કારણે સીધા હોમાગ્નિમાં ફેરવાઈ ગઈ છે. આ આંતરરાષ્ટ્રીય સૈન્ય સંઘર્ષની વચ્ચે નિર્દોષ ભારતીય ખલાસીઓ સતત ભોગ બની રહ્યા છે, કારણ કે વૈશ્વિક મર્ચન્ટ નેવીના કુલ કાર્યબળમાં ભારતીયોનો હિસ્સો 10% થી 17% જેટલો મોટો છે. પોતાના નાગરિકોની સુરક્ષાને લઈને અત્યંત કડક વલણ અપનાવતા ભારતે આ વખતે કોઈ પણ પ્રકારની રાજદ્વારી નમ્રતા છોડી દીધી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા તાજેતરના ઘાતક મિસાઈલ હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થતાં ભારતે તેહરાનને સ્પષ્ટ શબ્દોમાં લલકાર્યું છે કે, "જો આવી ઉશ્કેરણી ચાલુ રહેશે, તો ભારત તમને છોડશે નહીં."
આ તણાવપૂર્ણ ઘટનાક્રમની શરૂઆત 13 જુલાઈના રોજ થઈ હતી, જ્યારે ઓમાન દરિયાઈ સરહદ નજીકથી પસાર થઈ રહેલા સંયુક્ત આરબ અમીરાત (UAE) ના બે ઓઈલ ટેન્કર્"મોમ્બાસા" અને "અલ બાહિયા પર ઈરાન તરફથી બે વિનાશક ક્રુઝ મિસાઈલો દાગવામાં આવી હતી. આ ભયાનક હુમલામાં બંને જહાજો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા, જેમાં "મોમ્બાસા" પર સવાર એક ભારતીય ખલાસીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે છ ભારતીયો સહિત આઠ નાવિકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ઘટનાના બે દિવસ પહેલા જ ઇરાને સાયપ્રસના એક જહાજ પર પણ હુમલો કર્યો હતો, જ્યાંથી એક ભારતીય નાવિક હજુ સુધી લાપતા છે. ભારતીય નાગરિકોના લોહી વહેવાની આ ઘટનાથી લાલચોળ થયેલા ભારતના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં ઈરાનના ડેપ્યુટી ચીફ ઓફ મિશન મોહમ્મદ જાવદ હુસેનીને જાહેરમાં, મીડિયા કેમેરાની તૈનાતી વચ્ચે સમન્સ પાઠવીને બોલાવ્યા હતા અને દેશનો ઉગ્ર આક્રોશ લાઈવ પ્રસારણ સાથે તેહરાન સુધી પહોંચાડ્યો હતો.
ભારતનું આ કડક વલણ માત્ર ઈરાન પૂરતું સીમિત નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં અશાંતિ ફેલાવનારા અમેરિકા સામે પણ એટલું જ આક્રમક રહ્યું છે. અગાઉ જૂન 2026 માં, જ્યારે યુએસ નેવીએ ઓમાનના અખાતમાં કરેલા હવાઈ હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત થયા હતા, ત્યારે પણ નવી દિલ્હીએ અમેરિકાને તેની ઓકાત બતાવી દીધી હતી. વિદેશ મંત્રાલયના અધિક સચિવ નાગરાજ નાયડુએ દિલ્હી સ્થિત યુએસ દૂતાવાસના વરિષ્ઠ રાજદ્વારી જેસન મીક્સને એક જ મહિનામાં બે વાર સમન્સ પાઠવીને સ્પષ્ટ સંભળાવ્યું હતું કે વાણિજ્યિક જહાજો અને નિર્દોષ નાવિકો વિરુદ્ધ ઘાતક શસ્ત્રોનો ઉપયોગ ભારત માટે બિલકુલ અસહ્ય છે. પશ્ચિમ એશિયાના આ ભૌગોલિક-રાજકીય યુદ્ધમાં અત્યાર સુધીમાં 14 નિર્દોષ ભારતીય જવાનોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે ભારતે સુપરપાવર અમેરિકા અને ઈરાન બંનેને ચેતવણી આપી છે કે વૈશ્વિક હિતોના નામે ભારતીયોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
