<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

અદાણીમાં એલઆઈસીના ૩.૯ અબજ ડોલરના રોકાણનો ખોટો અહેવાલ છાપવા બદલ 'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના પત્રકાર રવિ નાયર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

પત્રકારે રજૂ કરેલા દસ્તાવેજો બનાવટી હોવાનો એલઆઈસીનો સ્પષ્ટ ખુલાસો, જ્યારે સુપ્રીમ કોર્ટે પણ પત્રકારની અરજી ફગાવીને તેમને હાઈકોર્ટમાં જવા આદેશ કર્યો

અમદાવાદ: અમેરિકાના જાણીતા અખબાર 'ધ વોશિંગ્ટન પોસ્ટ'માં અદાણી જૂથ અંગે ખોટા અને ભ્રામક સમાચાર પ્રકાશિત કરવાના મામલે પત્રકાર રવિ નાયરની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ગત ૨૪ ઓક્ટોબરના રોજ આ અખબારમાં રવિ નાયર અને પ્રાંશ વર્મા દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં દાવો કરાયો હતો કે ભારત સરકારના કથિત દબાણ હેઠળ ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) દ્વારા અદાણી જૂથમાં ૩.૯ અબજ ડોલરનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે. આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા હોવાનું સાબિત થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં વિધિવત ફરિયાદ નોંધાઈ છે.

 

બનાવટી દસ્તાવેજો અને એલઆઈસીનો ખુલાસો

પ્રાપ્ત વિગતો અનુસાર, નવરંગપુરા સ્થિત અદાણી હાઉસના ડેપ્યુટી જનરલ મેનેજર દુષ્યંત જોષીએ આ મામલે ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. તેમની ફરિયાદ મુજબ, પત્રકારે પોતાના દાવાને સાચો ઠેરવવા માટે કેટલાક દસ્તાવેજોનો હવાલો આપ્યો હતો, જે એલઆઈસી દ્વારા સંપૂર્ણપણે બનાવટી હોવાનું જાહેર કરાયું છે. એલઆઈસીએ બીએસઈ (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) અને એનએસઈ (નેશનલ સ્ટોક એક્સચેન્જ)માં પણ સત્તાવાર ખુલાસો કરીને રોકાણકારોને આવી અફવાઓથી દૂર રહેવા જણાવ્યું હતું. જ્યારે અદાણી જૂથ દ્વારા આ પત્રકારો પાસે ખુલાસો માંગવામાં આવ્યો, ત્યારે તેમની તરફથી કોઈ જ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો તેમ પ્રસિદ્ધ થયું છે

 

સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

તાજેતરના મીડિયા અહેવાલો અને અદાલતી કાર્યવાહી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ૧૨ ફેબ્રુઆરીના રોજ પત્રકાર રવિ નાયરને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. આ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે નાયરે સીધી સુપ્રીમ કોર્ટમાં ભારતીય બંધારણની કલમ ૩૨ હેઠળ અરજી કરી હતી. જોકે, ૧૬ માર્ચના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની ખંડપીઠે આ અરજી સાંભળવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે પત્રકારે રાહત મેળવવા માટે સીધા અહીં આવવાને બદલે ગુજરાત હાઈકોર્ટમાં જવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કોઈ પણ વચગાળાની રાહત કે ધરપકડ સામે રક્ષણ આપ્યા વિના તેમને અરજી પાછી ખેંચવાની ફરજ પાડી હતી.

 

આ ભ્રામક સમાચારથી શેરબજારના લાખો રોકાણકારોના હિતોને નુકસાન પહોંચાડવાનું અને બે મોટી સંસ્થાઓની પ્રતિષ્ઠા ખરડવાનું વ્યવસ્થિત કાવતરું હોવાનું મનાય છે. હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ દિશામાં વધુ કડક અને સઘન તપાસ હાથ ધરી છે.*

(5:48 PM IST)