News of Saturday, 26th September 2026
UNGAમાં પાકિસ્તાનને ભારતીય રાજદ્વારીઓનો સણસણતો જવાબ: કાશ્મીર અને સિંધુ જળ સંધિ મુદ્દે પાક.ના 'હાસ્યાસ્પદ' વલણની પૂર્વ રાજદૂત વીણા સિકરીએ કરી આકરી ટીકા
"લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં" — ઓસામા બિન લાદેનને આશરો આપનાર દેશ લોકશાહી અને માનવાધિકાર પર ભાષણ આપવાનું બંધ કરે, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો આકરો પ્રહાર

ન્યૂયોર્ક : સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના મંચ પરથી કાશ્મીર રાગ આલાપવા અને સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવવા બદલ ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઘાડું પાડ્યું છે. ભારતના પૂર્વ ઉચ્ચ રાજદ્વારી વીણા સિકરીએ પાકિસ્તાનના આ વલણને સંપૂર્ણપણે હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય ગણાવ્યું છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો જે મક્કમ નિર્ણય લીધો હતો તેને યોગ્ય ઠેરવતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે, "લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં."
ANI સાથેની વાતચીતમાં વીણા સિકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈસ્લામાબાદનું આંતરિક ગેરવહીવટ અને રાજ્ય-પ્રાયોજિત (State-sponsored) આતંકવાદ જ સમગ્ર દક્ષિણ એશિયાની શાંતિ માટે સૌથી મોટો ખતરો છે. તેમણે ઉમેર્યું કે, "જ્યાં સુધી પાકિસ્તાન તેની ધરતી પરથી સક્રિય તમામ આતંકવાદી જૂથોનો સંપૂર્ણપણે સફાયો નથી કરતું, ત્યાં સુધી સિંધુ જળ સંધિ પુનઃસક્રિય થવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. ભારત પોતાના રાજ્યો—જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના લોકોના વિકાસ માટે પોતાના સંસાધનોનો ઉપયોગ કરવા સંપૂર્ણ સક્ષમ છે."
બીજી તરફ, UNGAમાં પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફના સંબોધન બાદ ભારતે 'રાઈટ ઓફ રિપ્લાય' (જવાબ આપવાના અધિકાર) નો ઉપયોગ કરીને પાકિસ્તાનની ધોળા દિવસે પોલ ખોલી નાખી હતી. ભારતીય રાજદ્વારી પેટલ ગેહલોતે શરીફના નિવેદનોને વિચિત્ર ગણાવતા વિશ્વ સમક્ષ યાદ અપાવ્યું હતું કે, "અમેરિકાએ હમણાં જ 9/11 ના હુમલાની વર્ષગાંઠ મનાવી છે, અને એ હુમલાનો મુખ્ય સૂત્રધાર ઓસામા બિન લાદેન બીજા કોઈ દેશમાં નહીં પણ પાકિસ્તાની સેનાની મિલિટરી એકેડેમીના આંગણામાં જ આશ્રય મેળવીને રહેતો હતો."
ભારતે પાકિસ્તાનની લશ્કરી તાનાશાહી અને માનવાધિકારના દંભ પર પ્રહારો કરતા કહ્યું કે પાકિસ્તાન-ઓક્યુપાઇડ જમ્મુ-કાશ્મીર (PoJK) અને રાવલકોટના લોકો સાથે પાક. સેના અમાનુષી અત્યાચાર કરી રહી છે. પાકિસ્તાન સૈન્ય દ્વારા ચાલતું શાસન છે જ્યાં કઠપૂતળી સરકારો બદલાય છે પરંતુ મૂળ નિર્ણય સેના જ લે છે. ભારતે ચીમકી આપતા સ્પષ્ટ કર્યું કે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતે બતાવી દીધું છે કે આતંકવાદીઓને છુપાવવા માટે હવે વિશ્વમાં કોઈ સુરક્ષિત જગ્યા નથી અને ભારત પોતાની સાર્વભૌમત્વ અને સરહદોની રક્ષા કરવા માટે સ્વ-બચાવના અધિકારનો ઉપયોગ ચાલુ રાખશે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
