<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

ભારતીય ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં બે દિગ્ગજોનો એકહથ્થુ શાસન: ફોનપે અને ગુગલ પેના 80% બજારહિસ્સા સામે એમેઝોન-મેટામાં ફફડાટ

યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં વધતા એકાધિકાર સામે વૈશ્વિક ટેક કંપનીઓએ બાંયો ચઢાવી: એનપીસીઆઈ સાથેની બેઠકમાં સ્પર્ધાત્મક સંતુલન જાળવવા અને માર્કેટ કેપ લિમિટ મુદ્દે રજૂઆત કરવાની તૈયારી

મુંબઈ : ભારતના ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ફોનપે અને ગુગલ પેના વધતા પ્રભુત્વને કારણે અન્ય વૈશ્વિક ટેક કંપનીઓની ચિંતામાં મોટો વધારો થયો છે. એમેઝોન અને મેટા (વોટ્સએપ) જેવી જાયન્ટ કંપનીઓ હવે ભારતના આ વિશાળ માર્કેટમાં સ્પર્ધાત્મક વાતાવરણ જોખમાતું હોવાનો મુદ્દો ઉઠાવવાની તૈયારી કરી રહી છે. હાલમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા થતા કુલ ટ્રાન્ઝેક્શનમાં આ બે જ કંપનીઓ અંદાજે 80 ટકા જેટલો બજારહિસ્સો ધરાવે છે, જે અન્ય ખેલાડીઓ માટે બજારમાં ટકી રહેવા માટે મોટો પડકાર બની રહ્યો છે.
આ ગંભીર સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે વિવિધ પ્લેટફોર્મના એક્ઝિક્યુટિવ્સ ટૂંક સમયમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરે તેવી પ્રબળ શક્યતા છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમમાં સંતુલન જાળવવાનો અને કોઈપણ એક કે બે કંપનીના એકાધિકારને રોકવાનો રહેશે. હરીફ કંપનીઓનું માનવું છે કે જો લાંબા સમય સુધી આ પ્રભુત્વ ચાલુ રહેશે, તો નવીનતા અને સ્વસ્થ સ્પર્ધા માટેની તકો સીમિત થઈ જશે, જેનાથી અંતે યુઝર્સના વિકલ્પો પણ ઘટી શકે છે.
એનપીસીઆઈ દ્વારા અગાઉ થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સ માટે 30 ટકાની માર્કેટ કેપ લિમિટ લાગુ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ તેના અમલીકરણની સમયમર્યાદા લંબાવવામાં આવતા હરીફોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. એમેઝોન અને મેટા જેવી કંપનીઓ હવે આ લિમિટને સખત રીતે લાગુ કરવા માટે દબાણ કરી શકે છે જેથી બજારમાં સમાન તકો ઉપલબ્ધ થાય. ભારત વિશ્વની સૌથી મોટી ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ ધરાવે છે ત્યારે આ વિવાદ આવનારા સમયમાં ડિજિટલ અર્થતંત્રના નવા સમીકરણો નક્કી કરશે તેવું લાગી રહ્યું છે.

(2:45 PM IST)