તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
બોસ્ટન યુનિવર્સિટીના ૧૫૩મા પદવીદાન સમારોહમાં ગુંજશે ભારતીય પુત્રીનો અવાજ: વબ્ર્ટેક્સ ફાર્માના CEO રેશ્મા કેવલરામાણી આપશે મુખ્ય પ્રવચન, 'ડોક્ટર ઓફ સાયન્સ'ની માનદ પદવીથી થશે સન્માન!
મુંબઈમાં જન્મેલી રેશ્મા બની અમેરિકાની મોટી બાયોટેક કંપનીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા: જીન-એડિટિંગ ટેકનોલોજી અને તબીબી સંશોધનો દ્વારા વિશ્વભરમાં મેળવી ખ્યાતિ, ટાઈમ મેગેઝીનની પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં પણ મળ્યું સ્થાન

બોસ્ટન: ભારતીય મૂળના અમેરિકન બાયોટેક એક્ઝિક્યુટિવ રેશ્મા કેવલરામાણી આગામી ૧૭ મેના રોજ બોસ્ટન યુનિવર્સિટીના ૧૫૩મા પદવીદાન સમારોહમાં મુખ્ય વક્તા તરીકે સંબોધન કરશે. વર્ટેક્સ ફાર્માસ્યુટિકલ્સના CEO અને પ્રમુખ રેશ્માને આ પ્રસંગે વિજ્ઞાન ક્ષેત્રે તેમના અસાધારણ યોગદાન બદલ યુનિવર્સિટી દ્વારા 'ડોક્ટર ઓફ સાયન્સ'ની માનદ પદવી એનાયત કરવામાં આવશે. આ જાહેરાત બાદ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
મુંબઈથી અમેરિકા સુધીની સંઘર્ષમય સફર
મુંબઈમાં જન્મેલી રેશ્મા માત્ર ૧૧ વર્ષની ઉંમરે પરિવાર સાથે અમેરિકા સ્થાયી થઈ હતી. તબીબ તરીકે કારકિર્દી શરૂ કરનાર રેશ્માએ વર્ષ ૨૦૨૦માં વર્ટેક્સ ફાર્માસ્યુટિકલ્સના CEO તરીકેનો કાર્યભાર સંભાળીને ઈતિહાસ રચ્યો હતો. તેઓ અમેરિકાની મોટી શેરબજાર લિસ્ટેડ બાયોટેકનોલોજી કંપનીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા બન્યા હતા. અગાઉ તેમણે એમ્જેન (Amgen) જેવી મોટી કંપનીમાં એક દાયકા સુધી સંશોધન ક્ષેત્રે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.
તબીબી વિજ્ઞાનમાં ક્રાંતિકારી પ્રદાન
રેશ્માના નેતૃત્વ હેઠળ વર્ટેક્સ કંપનીએ સિસ્ટિક ફાઈબ્રોસિસની સારવારમાં મોટી સફળતા મેળવી છે. ખાસ કરીને 'CRISPR' જીન-એડિટિંગ ટેકનોલોજી દ્વારા સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા જેવા જટિલ રોગોની પ્રથમ માન્ય થેરાપી વિકસાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. આજે તેમની કંપની ૧૦૦ અબજ ડોલરથી વધુનું મૂલ્ય ધરાવતી વૈશ્વિક ફર્મ બની ગઈ છે, જે ટાઇપ-૧ ડાયાબિટીસ અને ગંભીર દુખાવાની સારવાર માટે નવા સંશોધનો કરી રહી છે.
વૈશ્વિક સન્માન અને સિદ્ધિઓ
રેશ્મા કેવલરામાણીની સફળતાની નોંધ વિશ્વભરમાં લેવાઈ છે. તેમને ટાઈમ મેગેઝીન દ્વારા '૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓ (૨૦૨૫)' અને 'વુમન ઓફ ધ યર ૨૦૨૬' તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ફોર્ચ્યુન મેગેઝીનની 'મોસ્ટ પાવરફુલ પીપલ ઇન બિઝનેસ' યાદીમાં પણ તેમનો સમાવેશ થયો છે. બોસ્ટન યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂકેલા રેશ્મા હવે એ જ યુનિવર્સિટીના યુવા સ્નાતકોને તેમના સંબોધન દ્વારા સફળતાના મંત્રો આપશે.
તબીબી સંશોધનથી લઈને બિઝનેસ મેનેજમેન્ટ સુધીની તેમની આ સફર વિશ્વભરના યુવા વૈજ્ઞાનિકો અને ખાસ કરીને ભારતીય દીકરીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
