News of Friday, 24th July 2026
જેરુસલેમમાં લોહીલુહાણ હાલતમાં ભારતીય નાગરિકનો મળ્યો મૃતદેહ: ઇઝરાયલી નાગરિકની ધરપકડથી સન્સનાટી
કાટામોન વિસ્તારના એપાર્ટમેન્ટમાં ક્રૂર હત્યા; ઇઝરાયલ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને શંકાસ્પદ આરોપીને કસ્ટડીમાં લીધો

જેરુસલેમ : ઇઝરાયલની રાજધાની જેરુસલેમમાંથી એક આઘાતજનક અને કાળજું કંપાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરના શાંત ગણાતા કાટામોન વિસ્તારના એક એપાર્ટમેન્ટમાંથી ૪૦ વર્ષીય ભારતીય નાગરિકનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવતાં ભારે સન્સનાટી મચી ગઈ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇઝરાયલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હત્યાના આરોપસર ૩૧ વર્ષીય ઇઝરાયલી નાગરિકની ધરપકડ કરી છે.
એપાર્ટમેન્ટમાં ફ્લોર પર પડ્યો હતો મૃતદેહ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારે કાટામોન વિસ્તારમાં આવેલા એક મકાનમાં ભારતીય નાગરિક મૃત હાલતમાં હોવાની જાણ થઈ હતી. મોરિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ફોરેન્સિક ઇન્વેસ્ટિગેટર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પીડિત ઘરના ફ્લોર પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. પ્રારંભિક તારણો પરથી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ ઘટના પાછળ ગુનાહિત કાવતરું અને હત્યા હોવાની પ્રબળ શંકા છે.
ઝડપી તપાસ બાદ આરોપી ઇઝરાયલી નાગરિક ગિરાફ્તાર
જેરુસલેમ ડિસ્ટ્રિક્ટ કમાન્ડર અવશાલોમ પેલેડે પોતે ઘટનાસ્થળની મુલાકાત લઈ સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને કેસની તપાસ જેરુસલેમ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ યુનિટ (YAMAR) ને સોંપી દીધી છે.
મોરિયા પોલીસ સ્ટેશનના કમાન્ડર યુવલ રુવેને જણાવ્યું કે, ઘટનાસ્થળેથી મળેલા પુરાવા અને ટેકનિકલ તપાસના આધારે પોલીસે તાત્કાલિક ઇલાત (Eilat) ના રહેવાસી એવા શંકાસ્પદ ઇઝરાયલી નાગરિકની ઓળખ કરી તેને કસ્ટડીમાં લઈ લીધો છે.
મૃતકની ઓળખ ગુપ્ત: હાલમાં ઇઝરાયલ પોલીસે પૂછપરછ ચાલુ રાખી હોવાથી અટકાયત કરાયેલા શંકાસ્પદ અને મૃતક ભારતીય સ્થળાંતરિત કામદાર (Migrant Worker) ની સત્તાવાર ઓળખ જાહેર કરી નથી.
ઇઝરાયલ સ્થિત ભારતીય દૂતાવાસ અને સ્થાનિક એજન્સીઓ દ્વારા આ કૌટુંબિક કે ગુનાહિત વિવાદ પાછળનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
