તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
મિડ-એર હુમલામાં ઘવાયેલા ભારતીય કેપ્ટન સ્મિત મછારને તબૂકથી અબુ ધાબી એરલિફ્ટ કરાયા
હવામાં કો-પાયલોટે કરેલા હુમલા બાદ ઈજાગ્રસ્ત અવસ્થામાં પણ ૧૭૪ મુસાફરોનો જીવ બચાવનાર ગ્રાન્ડ હીરો પાયલોટને વધુ સારવાર અર્થે એર એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયા

દુબઈ : હવામાં ઉડાન દરમિયાન કો-પાયલોટના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ફ્લાયદુબઈના ભારતીય કેપ્ટન સ્મિત મછારને સાઉદી અરેબિયાના તબૂક ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ આધુનિક તબીબી સારવાર માટે અબુ ધાબી એરલિફ્ટ કરવામાં આવ્યા છે. દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ FZ1073 ના કોકપિટમાં કો-પાયલોટે પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કરીને કેપ્ટન સ્મિત પર છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે લોહીલુહાણ થવા છતાં સ્મિત મછારે બુધ્ધિપૂર્વક કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો, જેથી મુસાફરો અને ઓફ-ડ્યુટી ક્રૂએ અંદર ઘૂસીને હુમલાખોરને કાબૂમાં લીધો હતો અને વિમાનમાં સવાર ૧૭૪ મુસાફરોના જીવ બચી ગયા હતા.
ઘટના બાદ વિમાનનું સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પ્લેનમાં મુસાફરી કરી રહેલા એક ઈઝરાયેલી તબીબે લોહીથી લુહપાન પાયલોટ સ્મિતને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને તેમનું સતત વહેતું લોહી અટકાવ્યું હતું. ત્યારબાદ તેમને તબૂકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત સ્થિર થતાં હવે તેમને વધુ સારવાર માટે યુએઈ (અબુ ધાબી) નાટો સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કોકપિટમાં હુમલાખોર કો-પાયલોટે પ્લેનને ખૂબ જ ઝડપથી નીચેની તરફ ડાઈવ કરાવ્યું હતું. પરંતુ, માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવા છતાં કેપ્ટન સ્મિતે પોતાની હિંમત ગુમાવી ન હતી. તેમણે છેલ્લી ક્ષણે કોકપિટનો દરવાજો અનલોક કરી દીધો, જેના કારણે ફ્લાઈટમાં જઈ રહેલા અન્ય ઓફ-ડ્યુટી પાયલોટ્સ અને એર માર્શલ અંદર દાખલ થઈ શક્યા હતા.
ભારતીય વિદેશ મંત્રાલય અને રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ પાયલોટ સ્મિત મછારના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને તેમને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યા છે. પાયલોટ સ્મિતની આ અદભુત બહાદુરીની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ રહી છે અને ભારત સરકાર તેમજ ફ્લાયદુબઈના સત્તાધીશો તેમની તબિયત પર સતત નજર રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હુમલો કરનાર ઓમાની નાગરિક કો-પાયલોટને સાઉદી અરેબિયાના સુરક્ષાદળો દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની સામે આતંકવાદી કાવતરા સહિતની ગંભીર કલમો હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. વિમાનમાં સવાર તમામ ૧૭૪ મુસાફરોને બાદમાં અન્ય ફ્લાઈટ મારફતે સુરક્ષિત રીતે તેમની મંઝિલ તેલ અવીવ પહોંચાડવામાં આવ્યા હતા.
હાલમાં કેપ્ટન સ્મિત મછાર અબુ ધાબીની હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અને તેમની સ્થિતિ ખતરાથી બહાર હોવાનું હોસ્પિટલના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં તેમની બહાદુરીને બિરદાવવામાં આવી રહી છે અને તેઓ ઝડપથી સાજા થઈને વતન પરત ફરે તેવી પ્રાર્થનાઓ થઈ રહી છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
