News of Monday, 6th July 2026
યુદ્ધના મેદાનમાં ભારતીય સેનાનો માસ્ટરસ્ટ્રોક: 'ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સ' એક્શન મોડમાં, દુશ્મનોને ધૂળ ચટાડવા સૈન્યની પરંપરાગત વ્યુહરચનામાં મોટો ફેરફાર
હવે દિવસો નહીં પણ માત્ર ૧૨ થી ૪૮ કલાકમાં સરહદ પર તૈનાત થશે સૈન્યના 'બાહુબલી' એકમો, એક જ કમાન્ડ હેઠળ પાયદળથી લઈને આર્ટિલરી અને એર ડિફેન્સ આપશે આક્રમક પંચ

નવી દિલ્હી, તા.૦૬: આધુનિક યુદ્ધના બદલાતા સમીકરણો અને સરહદો પરના તાજેતરના તણાવમાંથી પાઠ શીખીને ભારતીય સેનાએ પોતાની લડાયક ક્ષમતાને વધુ ઘાતક બનાવવાની દિશામાં એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. સેનાની ૧૭ કોર્પ્સ હેઠળ 'ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સ' (IBGs) ને સત્તાવાર રીતે કાર્યરત (ઓપરેશનલ) કરી દેવામાં આવ્યા છે. આ નવીન વ્યુહરચનાથી ભવિષ્યના યુદ્ધો માટે સૈન્યને એકત્રિત કરવાની અને સરહદ પર તૈનાત કરવાની ભારતની પરંપરાગત પદ્ધતિ આખી બદલાઈ જશે.
શું છે આ 'ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ' (IBG)?
પરંપરાગત રીતે ભારતીય સેનામાં ત્રણ બટાલિયન મળીને એક બ્રિગેડ, બ્રિગેડ મળીને ડિવિઝન અને ડિવિઝન મળીને કોર્પ્સ બનાવે છે, જેમાં સૈન્યને સરહદ સુધી પહોંચાડવામાં અને ગોઠવવામાં દિવસોનો સમય લાગી જતો હોય છે. પરંતુ આ નવો માસ્ટર પ્લાન મોડ્યુલર અને હાઈ-મોબાઈલ લડાયક જૂથો પર આધારિત છે.
એક IBG એ પરંપરાગત પાયદળ (ઇન્ફન્ટ્રી) બ્રિગેડની આસપાસ કેન્દ્રિત હશે, પરંતુ તેની તાકાત વધારવા માટે આર્ટિલરી ગન્સ, એર ડિફેન્સ, આર્મી એન્જિનિયર્સ અને સશસ્ત્ર ટેન્ક એકમોને એકસાથે જોડીને એક મજબૂત કમાન્ડ હેઠળ લાવી દેવાયા છે.
સમયની બચત અને અદભુત મારક ક્ષમતા
નવી વ્યૂહરચના હેઠળ સૈન્યની ગતિશીલતા અને શક્તિમાં નીચે મુજબના જબરદસ્ત ફાયદાઓ જોવા મળશે:
• સુપરફાસ્ટ તૈનાતી: પરંપરાગત સૈન્ય વિભાગોની સરહદ પર તૈનાતીમાં દિવસો લાગતા હતા, જ્યારે હવે IBG માત્ર ૧૨ થી ૪૮ કલાકના ટૂંકા ગાળામાં સરહદ પર એક્શન લેવા સજ્જ થઈ જશે.
• સંકલિત લોજિસ્ટિક્સ: આ જૂથો આગળના વિસ્તારોમાં લાંબો સમય સુધી ટકી રહેવા માટે પોતાની આગવી લોજિસ્ટિક્સ વ્યવસ્થા સાથે સજ્જ હશે, જે રક્ષણાત્મક અને આક્રમક બંને ભૂમિકા ભજવી શકશે.
• હાઈ-ટેક નેતૃત્વ: દરેક ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપનું નેતૃત્વ મેજર જનરલ રેન્કના ઉચ્ચ અધિકારી દ્વારા સીધું કરવામાં આવશે.
ભૂપ્રદેશ અને સરહદ પ્રમાણે સ્પેશિયલ ફોર્મેશન
ભારતીય સેનાએ પાંચ મુખ્ય IBG ની સાથે એક વિશેષ 'ફાયર સપોર્ટ ગ્રુપ' (FSG) પણ ઊભું કર્યું છે. મેદાની વિસ્તારો અને રણપ્રદેશો જેવા ભૌગોલિક વિસ્તારોને ધ્યાનમાં રાખીને સશસ્ત્ર (આર્મર્ડ) અને મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીથી સજ્જ 'હેવી IBG' પણ તૈયાર કરવામાં આવશે, જે સ્ટ્રાઈક ફોર્મેશન સાથે મળીને દુશ્મનના પ્રદેશમાં ઝડપી ઘૂસણખોરી કરવા સક્ષમ હશે.
સેનાના 'પરિવર્તનના દાયકા'નો પ્રારંભ: આ આખી પ્રક્રિયા ભારતીય સેનાના 'ડેકેડ ઓફ ટ્રાન્સફોર્મેશન' (પરિવર્તનના દાયકા) ના ભાગરૂપે છે. આ નવીન યુદ્ધ જૂથો કોઈપણ વધારાના સૈનિકો કે આર્થિક બોજ વિના સેનાની લડાયક શક્તિને કટોકટીના સમયે અનેક ગણી વધારી દેશે (ફોર્સ મલ્ટીપ્લાયર).
આ પગલાથી વૈશ્વિક સ્તરે ભારત એક મજબૂત સંદેશ આપી રહ્યું છે કે દેશની વિશાળ સરહદો પર અચાનક થતા કોઈપણ આક્રમણ કે સરહદી તણાવનો જવાબ આપવા માટે ભારતીય સેના હવે પલક ઝપકાવતા જ સજ્જ થઈ શકે છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
