News of Friday, 4th September 2026
ભારત-અમેરિકા વેપાર કરાર પર પિયુષ ગોયલનું મોટું નિવેદન: વિયેતનામ અને બાંગ્લાદેશ કરતાં પણ વધુ અનુકૂળ ટેરિફ દર મળશે તો જ BTA પર હસ્તાક્ષર થશે!
યુએસ સાથેના દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) માં ભારતે પોતાની શરતો સ્પષ્ટ કરી: સ્પર્ધક દેશોની તુલનામાં વધુ ટેરિફ છૂટછાટ અથવા ઝીરો ડ્યુટીની માંગણી મૂકાઈ

નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ની વાટાઘાટો સંદર્ભે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે દેશનું વલણ અત્યંત સ્પષ્ટ અને મક્કમ કરી દીધું છે. તેમણે સંકેત આપ્યો છે કે જ્યાં સુધી વોશિંગ્ટન ભારતીય નિકાસકારોને વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા સ્પર્ધક દેશો કરતાં વધુ અનુકૂળ ટેરિફ દર અથવા ઝીરો ડ્યુટીનો લાભ નહીં આપે, ત્યાં સુધી ભારત આ વેપાર કરારની જાહેરાત કરશે નહીં.
'અમારા દર વધુ સારા હોવા જોઈએ' - પિયુષ ગોયલ:
મુક્ત-વેપાર કરારો (FTA) નો મહત્તમ લાભ લેવા અંગે યોજાયેલી એક રાષ્ટ્રીય વર્કશોપને સંબોધતા પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, "અમેરિકા જેમ જેમ આપણી સ્પર્ધામાં રહેલા દેશોની તુલનામાં આપણને પ્રેફરન્શિયલ દર (પ્રાથમિકતા દર) આપવા સંમત થશે, તેમ અમે BTA ને આખરી ઓપ આપીશું. આપણે જોવું પડશે કે વિયેતનામ કે બાંગ્લાદેશના માલ પર અમેરિકા કેટલો ચાર્જ વસૂલે છે, અને ભારતીય પ્રોડક્ટ્સ માટેના દર તેનાથી પણ વધુ સારા હોવા જોઈએ."
તેમણે ઉમેર્યું કે ભારતે યુકે, ન્યુઝીલેન્ડ અને યુરોપિયન યુનિયન સહિતના દેશો સાથે કરેલા નવ મુક્ત વેપાર કરારોમાં અત્યંત અનુકૂળ શરતો મેળવી છે અને સરકાર નિકાસ માટે મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો ધરાવે છે.
અમેરિકી ટેરિફ નીતિ અને વાટાઘાટોમાં વિલંબ:
ઉલ્લેખનીય છે કે ભારત અને યુએસ વચ્ચે ફેબ્રુઆરીમાં પ્રસ્તાવિત વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખાની જાહેરાત થઈ હતી. જોકે, ત્યારબાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા ટેરિફ માળખામાં કરાયેલા ફેરફારોને કારણે વાટાઘાટો લંબાઈ છે.
યુએસ સુપ્રીમ કોર્ટના એક ચુકાદા બાદ વોશિંગ્ટને ૨૪ જુલાઈથી ભારત સહિતના કેટલાક દેશોની આયાત પર ૧૦ ટકાનો વધારાનો ટેરિફ લાગુ કર્યો છે. આ તમામ વૈશ્વિક અને રાજદ્વારી પડકારો વચ્ચે ભારત ઈરાન અને રશિયા સાથેના પોતાના જૂના વેપાર સંબંધોને જાળવી રાખીને યુએસ સાથે મક્કમતાથી વાટાઘાટો આગળ ધપાવી રહ્યું છે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
