News of Thursday, 17th September 2026
ચીન સરહદ નજીક ભારત-અમેરિકાનો શક્તિપ્રદર્શન: 'યુદ્ધ અભ્યાસ 2026'માં રોબોટિક કૂતરા અને ડ્રોન સાથે હાઈટેક મોકડ્રિલ
ઔલીના પર્વતોથી લઈને મહાજનના રણ સુધી 600થી વધુ જવાનોની સંયુક્ત કવાયત: આતંકવાદ વિરોધી કામગીરીમાં આધુનિક ટેકનોલોજી અને સ્નાઈપર્સનું મજબૂત સંકલન

નવી દિલ્હી: વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) અને ચીન સરહદની અત્યંત નજીક આવેલા ઉત્તરાખંડના હિમાલયી વિસ્તાર ઔલી ખાતે ભારત અને અમેરિકી સેના વચ્ચે વાર્ષિક સંયુક્ત લશ્કરી કવાયત 'યુદ્ધ અભ્યાસ 2026'ની 22મી આવૃત્તિનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. 15 સપ્ટેમ્બરથી શરૂ થયેલી અને 28 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ મહત્ત્વપૂર્ણ કવાયતમાં બંને દેશોના આશરે 600 જેટલા સૈનિકો ભાગ લઈ રહ્યા છે. આ વર્ષની કવાયતની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં પરંપરાગત યુદ્ધ પદ્ધતિઓની સાથે-સાથે અત્યાધુનિક ડિજિટલ ટેકનોલોજી, ડ્રોન અને રોબોટિક કૂતરા નો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ સંયુક્ત યુદ્ધાભ્યાસ બે અલગ-અલગ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા સ્થળોએ એકસાથે આયોજિત કરવામાં આવ્યો છે. એક તરફ ઉત્તરાખંડના ઔલી ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે અતિ વિષમ અને ઉચ્ચ-ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારો તથા ભારે ઠંડીના હવામાનમાં લડાઈ લડવા માટેની વિશિષ્ટ તાલીમ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ, રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે મેદાની અને રણ પ્રદેશમાં ઉપયોગી આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન અને ફાયરપાવરનું પરીક્ષણ થઈ રહ્યું છે.
ઔલી ખાતે યોજાયેલી કવાયતમાં કલોઝ-ક્વાર્ટર બેટલ (CQB) અને આતંકવાદ વિરોધી કામગીરી હેઠળ બિલ્ડિંગ ક્લિયરન્સ તથા રૂમ સાર્ચિંગનું અત્યંત જોખમી અને સચોટ સિમ્યુલેશન (મોકડ્રિલ) કરવામાં આવ્યું હતું. આ કવાયત દરમિયાન ભારત અને અમેરિકી હુમલાખોર ટીમોએ માનવ બળ અને આધુનિક મશીનરીના અદ્ભુત સંકલનનું પ્રદર્શન કર્યું હતું.
ઇમારતમાં પ્રવેશતા પહેલાં આકાશમાં ઉડતા અદ્યતન ડ્રોન્સે સમગ્ર વિસ્તારની રીઅલ-ટાઇમ ઈન્ટેલિજન્સ અને હવાઈ દેખરેખ પૂરી પાડી હતી.
ઇમારતમાં છુપાયેલા સંભવિત જોખમો અને બોમ્બ/બારૂદનો તાગ મેળવવા માટે માનવ જવાનોના બદલે સૌપ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંચાલિત 'રોબોટિક કૂતરાઓ'ને અંદર મોકલવામાં આવ્યા હતા, જે જોખમી સ્થળોનું સર્વેક્ષણ કરીને ચોક્કસ વિગતો બહાર મોકલતા હતા.
મશીનરીની સાથે-સાથે સેનાના તાલીમબદ્ધ વાસ્તવિક સ્નિફર શ્વાનોએ વિસ્ફોટકો અને છુપાયેલા આતંકીઓને શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે આસપાસના ઊંચા વિસ્તારો પર તૈનાત સ્નાઈપર્સે ચોક્કસ નિશાનો તાકીને કવર ફાયર અને લોંગ-રેન્જ પ્રોટેક્શન પૂરું પાડ્યું હતું.
આ કવાયતમાં યુએસ આર્મીના પ્રખ્યાત '11મા એરબોર્ન ડિવિઝન'ના સૈનિકો અને ભારતીય આર્મીની ઉત્કૃષ્ટ ટુકડીઓ એકબીજાના આધુનિક હથિયારો, કટોકટીના સમયની યુક્તિઓ અને તકનીકોની આપ-લે કરી રહ્યા છે. બંને સેનાઓ એકબીજાની કાર્યશૈલી અને સાધનોની સમજ કેળવીને પોતાની 'ઈન્ટર-ઓપરેબિલિટી' (સાથે મળીને કામ કરવાની ક્ષમતા) મજબૂત બનાવી રહી છે.
બીજી તરફ, મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે M777 અલ્ટ્રા-લાઇટ હોવિત્ઝર જેવી તોપો અને અન્ય હેવી આર્ટિલરીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જ્યાં લાંબા અંતર સુધી માર કરનાર ગોળીબારની તાલીમ ચાલી રહી છે. આ ઉપરાંત વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મલ્ટી-ડોમેન ઓપરેશન્સ, સાયબર સેક્યુરિટી અને સ્પેસ ટેકનોલોજી આધારિત લશ્કરી વિષયો પર પણ ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ થઈ રહી છે.
આ કવાયત માત્ર દ્વિપક્ષીય સૈન્ય તાલીમ પૂરતી સીમિત નથી, પરંતુ હિંદ-પ્રશાંત પ્રદેશમાં ઉદ્ભવતા સૈન્ય અને રાજકીય સમીકરણો વચ્ચે ભારત-અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઘાટી બનાવવાનું એક સચોટ માધ્યમ છે. ભવિષ્યના યુદ્ધક્ષેત્રમાં સૈનિકોના જીવનનું રક્ષણ કરવા અને કાર્યક્ષમતા વધારવા માટે ડ્રોન, રોબોટિક્સ અને સ્વાયત્ત પ્રણાલીઓ નિર્ણાયક સાબિત થશે તે વાત બંને દેશો સારી રીતે સમજે છે. 28 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ કવાયત બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોને એક નવી ઊંચાઈ પર પહોંચાડશે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
