News of Thursday, 26th November 2026
અમેરિકાના 25 ટકા ટેરિફ પ્રસ્તાવ સામે ભારતનો સખત વિરોધ : કોઈપણ ક્ષેત્રમાં માળખાકીય વધારાની ક્ષમતા નથી - દ્વિપક્ષીય વેપાર કરારની વાટાઘાટોમાં મુદ્દા ઉકેલાવા જોઈએ - ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
યુએસટીઆર દ્વારા સેક્શન 301 હેઠળ ભારતીય માલસામાન પર 25 ટકા સુધીની જકાતનો પ્રસ્તાવ, કરાર થાય તો દર 17 ટકા થવાની શક્યતા : જેમીસન ગ્રીરના નિર્ણય બાદ ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનું સ્પષ્ટ વલણ

નવી દિલ્હી : અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ એટલે કે યુએસટીઆર દ્વારા સેક્શન 301 હેઠળ ભારતીય ચીજવસ્તુઓ પર 25 ટકા સુધીનો ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યા બાદ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. ભારતે કોઈપણ ક્ષેત્રમાં માળખાકીય વધારાની ક્ષમતા હોવાના અમેરિકાના દાવાને મક્કમતાથી ફગાવી દીધો છે અને સ્પષ્ટ કર્યું છે કે વેપાર સંબંધિત તમામ ચિંતાઓ દ્વિપક્ષીય વેપાર કરારની વાટાઘાટોના માળખામાં ઉકેલવી જોઈએ.
મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે હાલ આ નોટિસની ચકાસણી કરવામાં આવી રહી છે અને સમગ્ર તપાસ દરમિયાન ભારતે રચનાત્મક સહયોગ આપ્યો છે. તપાસ શરૂ કરવાની નોટિસના જવાબમાં તેમજ ત્યારબાદની કાર્યવાહીમાં વાણિજ્ય વિભાગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતના કોઈપણ ક્ષેત્રમાં માળખાકીય વધારાની ક્ષમતા નથી. ભારત અને અમેરિકા વચ્ચે હાલ દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાટાઘાટો ચાલી રહી છે અને વેપારને લગતા કોઈપણ પ્રશ્નો આ વાટાઘાટો હેઠળ જ ઉકેલવા જોઈએ તે ભારતનું વલણ રહ્યું છે. ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર વહેલી તકે પૂર્ણ થાય તે દિશામાં અમેરિકા સાથે નજીકથી કામ કરવા ભારત સરકાર પ્રતિબદ્ધ છે.
અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ દ્વારા બુધવારે ભારતીય માલસામાન પર કેટલીક છૂટછાટો સાથે 25 ટકા સુધીના ટેરિફનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ જો નવી દિલ્હી વોશિંગ્ટન સાથે વેપાર કરાર કરે તો આ દર ઘટીને 17 ટકા થઈ શકે તેવો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો છે. આ સંભવિત ઘટાડો પારસ્પરિક વેપાર કરાર હેઠળ અમુક ઉત્પાદન ક્ષેત્રોમાં માળખાકીય વધારાની ક્ષમતા અને ઉત્પાદન અંગેની અમેરિકાની ચિંતાઓને ભારત ઉકેલે તેના પર આધારિત રહેશે.
યુએસટીઆરના સત્તાવાર નિવેદન મુજબ, આવી નીતિઓ અને પ્રથાઓ દૂર કરવા માટે અમુક ચીજવસ્તુઓને મુક્તિ આપીને, હાલના સેક્શન 301 ટેરિફ બાદ કરીને ભારતના તમામ માલસામાન પર 25 ટકા સુધીની જકાત લાગુ કરવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત હાલની સેક્શન 301 અને સેક્શન 232 હેઠળ લાદવામાં આવેલી જકાતને ધ્યાનમાં રાખીને વધારાની જકાતમાં ફેરફાર કરવાની અથવા જો ભારત તપાસના તારણોને સંબોધતો પારસ્પરિક વેપાર કરાર કરે તો 17 ટકા ટેરિફ દર રાખવાની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે.
અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીરે એવો નિર્ણય લીધો હતો કે ઉત્પાદન ક્ષેત્રોમાં માળખાકીય વધારાની ક્ષમતા અને ઉત્પાદનને લગતી ભારત સહિત 14 અર્થતંત્રોની કામગીરી, નીતિઓ અને પ્રથાઓ અયોગ્ય છે તેમજ અમેરિકન વાણિજ્ય પર બોજરૂપ છે અથવા તેને મર્યાદિત કરે છે, ત્યારબાદ આ જાહેરાત સામે આવી છે.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
