News of Tuesday, 20th October 2026
ભારતે છ મહિનામાં ક્રૂડ આયાતની પાછળ ૨૯ અબજ ડોલર વધુ ખર્ચવા પડયા
ક્રૂડનાં ભાવ ૧૦૦ ડોલર ઊપર રહેતા આયાત બિલ વધ્યું : એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬માં ક્રૂડની આયાત માટે ૯૦.૬ અબજ ડોલર ખર્ચ્યા, ગયા વર્ષે ૬૧.૯ અબજ ડોલરનો ખર્ચ થયો

નવી દિલ્હી,તા.૨૦: નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નાં પ્રથમ છ મહિનામાં ભારતે ક્રૂડ ઓઈલની આયાત પાછળ ૯૦.૬ અબજ ડોલર ખર્ચ કર્યા છે જે ગયા વર્ષનાં સમાન સમયગાળાની સરખામણીમાં ૨૯ અબજ ડોલર વધારે છે.
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલનાં ભાવ વધવાને કારણે આયાતનું પ્રમાણ લગભગ સ્થિર રહેવા છતાં ભારતનું ઉર્જા બિલ ખૂબ જ વધી ગયું છે. પેટ્રોલિયમ પ્લાનિગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી)નાં આંકડા અનુસાર એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન ક્રૂડ ઓઇલનું આયાત બિલ ગયા વર્ષનાં ૬૧.૯ અબજ ડોલરથી વધીને ૯૦.૬ અબજ ડોલર થઈ ગયું છે. જ્યારે આયાતનું પ્રમાણ ૧ ટકાથી પણ ઓછું વધીને ૧૨.૨૭ કરોડ ટન રહ્યું છે.
વાસ્તવમાં ભારતે ક્રૂડ ઓઇલની એટલી માત્રામાં જ આયાત કરી છે પરંતુ પ્રતિ બેરલ માટે ખૂબ જ વધારે કીંમત ચુકવી હતી. રૂપિયાનાં હિસાબથી જોઈએ તો દેશમાં ફક્ત છ મહિનામાં ક્રૂડ ઓઇલની આયાત પર ૮.૫૩ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
પ્રથમ છ મહિનાનું આ બિલ સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નાં ૧૨૫.૮ અબજ ડોલરનાં કુલ આયાત બિલનાં લગભગ ૭૨ ટકા છે. જે કીંમતોમાં જોવા મળેલા મોટા ઉછાળાની ગંભીરતાને દર્શાવે છે.
આ વધેલું આયાત બિલ એવા સમયે આવ્યું છે જ્યારે ડોમેસ્ટિક સ્તરે ઇંધણની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન પેટ્રોલિયમ ઉત્પાદનોની વપરાશ ગયા વર્ષની સરખામણીમાં ૩.૩ ટકા ઘટીને ૧૧.૪૮ કરોડ ટન રહી ગઈ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આયાત પડતરમાં આ ભારે વૃદ્ધિનું મુખ્ય કારણ કીંમતોમાં ઉછાળો હતો ન કે માંગમાં કોઈ ખાસ વૃદ્ધિ જોવા મળી છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
