તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
જર્મનીના દિલમાં વસ્યું ભારત: કુશળ યુવાનો માટે 'લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી' બન્યું જર્મની, છેલ્લા 10 વર્ષમાં ભારતીય કર્મચારીઓની સંખ્યામાં 656% નો તોતિંગ ઉછાળો
બર્લિનની ગલીઓમાં ગુંજી રહ્યો છે ભારતનો ડંકો: વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતીયોની માસ્ટરી જોઈ જર્મની આફરીન, 1.80 લાખ ભારતીયો અત્યારે જર્મનીના અર્થતંત્રને આપી રહ્યા છે વેગ

નવી દિલ્હી: તા.૦૮ ભારત અને જર્મની વચ્ચેની દોસ્તી હવે માત્ર રાજદ્વારી સંબંધો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે આર્થિક ભાગીદારીના એક નવા સુવર્ણ યુગમાં પ્રવેશી છે. જર્મનીના મલ્ટિલેટરલ અફેર્સના કમિશનર ફ્લોરિયન લૌડીએ ભારતને જર્મની માટે "કન્ટ્રી ઓફ ચોઈસ" (સૌથી મનપસંદ દેશ) ગણાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મિશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે ખુલાસો કર્યો હતો કે જર્મનીમાં શ્રમિકોની અછતને પહોંચી વળવા માટે ભારતીય યુવાનો સૌથી વિશ્વસનીય સ્ત્રોત સાબિત થયા છે.
આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2025માં જ 1,80,000 ભારતીયો જર્મનીના વર્કફોર્સમાં જોડાયા છે, જે છેલ્લા એક દાયકામાં 656 ટકાનો અદભૂત વધારો દર્શાવે છે. લૌડીએ ગર્વ સાથે જણાવ્યું હતું કે, "બર્લિનની ગલીઓમાં દરરોજ હજારો યુવાન ભારતીય કામદારોને જોઈને ભારતની કુશળતાનો અહેસાસ થાય છે." ખાસ કરીને સાયન્સ, ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ભારતીયોની લાયકાત એટલી ઉચ્ચ કક્ષાની છે કે તેમની સરેરાશ આવક જર્મનીના સ્થાનિક કર્મચારીઓ કરતા પણ વધુ છે.
ભારત અને જર્મની વચ્ચે 2022માં થયેલા 'માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશીપ એગ્રીમેન્ટ'ને કારણે વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે વિદેશ જવાના દ્વાર ખુલી ગયા છે. હાલમાં 60,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ જર્મનીની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે, જે જર્મનીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું સૌથી મોટું જૂથ છે. રસપ્રદ વાત એ છે કે, અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમાંથી અડધાથી વધુ વિદ્યાર્થીઓને જર્મનીમાં જ સારી નોકરી મળી જાય છે.
જર્મન સરકાર હવે વિઝા પ્રક્રિયાને ડિજિટલ બનાવી રહી છે અને ડિગ્રીની માન્યતા આપવાની પ્રક્રિયા પણ ઝડપી કરી રહી છે. આ ઉપરાંત, ભારતના ખૂણે ખૂણે જર્મન લેંગ્વેજ કોર્સ ઉપલબ્ધ કરાવવા માટે પણ બંને દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે. જર્મનીના ચાન્સેલર ફ્રીડરિચ મેર્ઝની તાજેતરની ભારત મુલાકાત બાદ આ ભાગીદારી 'ટ્રિપલ વિન' સાબિત થઈ રહી છે – જે સ્થળાંતર કરનારાઓ, ભારત અને જર્મની એમ ત્રણેય પક્ષો માટે ફાયદાકારક છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
