<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

આતંકવાદ સામે ભારત-રશિયાની આરપારની લડાઈ: નવી દિલ્હીમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં બંને દેશોએ આતંકી સંગઠનો વિરુદ્ધ 'નક્કર કાર્યવાહી' નો કર્યો હુંકાર

સરહદ પારના આતંકવાદ અને ડિજિટલ ટેકનોલોજીના દુરુપયોગ પર ભારત-રશિયાનું મંથન: સંયુક્ત રાષ્ટ્ર, બ્રિક્સ અને SCO પ્લેટફોર્મ પર સહયોગ વધુ મજબૂત કરવા બંને દેશોની સહમતિ

નવી દિલ્હી : વૈશ્વિક સુરક્ષાના પડકારો અને આતંકવાદના વધતા જોખમો સામે ભારત અને રશિયાએ હવે વધુ આક્રમક રણનીતિ અપનાવવાનો નિર્ણય લીધો છે. નવી દિલ્હીમાં આયોજિત ભારત-રશિયાના 'આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથ' (JWG) ની ૧૪મી બેઠકમાં બંને દેશોએ સ્પષ્ટ શબ્દોમાં આતંકવાદીઓ અને તેમના પ્રોક્સી જૂથો વિરુદ્ધ નક્કર અને નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી છે. આ ઉચ્ચસ્તરીય બેઠકની સહ-અધ્યક્ષતા ભારતના વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જ અને રશિયાના નાયબ વિદેશ પ્રધાન દિમિત્રી લ્યુબિન્સ્કીએ કરી હતી, જેમાં બંને દેશોના સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા.

બેઠકમાં બંને દેશોએ સરહદ પારના આતંકવાદની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને આતંકવાદને માનવતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો. આ ચર્ચા દરમિયાન વર્ષ ૨૦૨૫ માં થયેલી આતંકવાદી ઘટનાઓ—જેમાં ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલો હુમલો અને ૧૦ નવેમ્બરે લાલ કિલ્લા પાસે બનેલી આતંકવાદી ઘટનાનો સમાવેશ થાય છે—તેના પર પણ વિશેષ ચિંતન કરવામાં આવ્યું હતું. બંને રાષ્ટ્રોએ સુરક્ષા મામલે એકબીજાના અનુભવો શેર કરીને આતંકવાદના મૂળિયાં ઉખેડવા માટે સંયુક્ત વ્યૂહરચના તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો.

ડિજિટલ ફાઇનાન્સ અને ટેકનોલોજીનો આતંકી ઉપયોગ ગંભીર ચિંતાનો વિષય:

આ બેઠકનું મુખ્ય પાસું આતંકવાદી હેતુઓ માટે નવી અને ઉભરતી ટેકનોલોજીના દુરુપયોગને રોકવાનું રહ્યું હતું. આતંકવાદીઓ દ્વારા ડિજિટલ નાણાકીય ટેકનોલોજી (Digital Financial Tech) નો ઉપયોગ અને ફંડિંગ મેળવવાના પ્રયાસો સામે બંને દેશોએ ચિંતા વ્યક્ત કરી હતી. હિંસક ઉગ્રવાદ અને કટ્ટરપંથીકરણને નાથવા માટે ઇન્ટેલિજન્સ શેરિંગ વધારવા પર પણ સંમતિ સધાઈ છે. ભારત અને રશિયાએ હવે સંયુક્ત રાષ્ટ્ર (UN), બ્રિક્સ (BRICS) અને SCO જેવા બહુપક્ષીય મંચો પર એકસાથે રહીને આતંકવાદ વિરોધી અભિયાનને વધુ વેગ આપવાની તેમની પ્રતિબદ્ધતાને ફરીથી દોહરાવી છે.

આ બેઠક સાબિત કરે છે કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો માત્ર આર્થિક કે વ્યૂહાત્મક નથી, પરંતુ વૈશ્વિક સુરક્ષાના મોરચે બંને રાષ્ટ્રો એક મજબૂત અને વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી આવ્યા છે. આતંકવાદના મુદ્દે બંને દેશોનું આ એકીકૃત વલણ આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકી સંગઠનો પર દબાણ વધારવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

(8:06 PM IST)