તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
વિચારોની મર્યાદા તોડીને ભારતે પોતાની ક્ષમતા સાબિત કરી: IIT ખડગપુરની પ્લેટિનમ જ્યુબિલીમાં PM મોદી
75 વર્ષની સફર નિમિત્તે વિશેષ સ્મારક સિક્કો ખુલ્લો મુક્યો; વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 50 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાનો ઉલ્લેખ અને સ્વાત્રતંત્ર સેનાનીઓના બલિદાનને યાદ કર્યા

ખડગપુર / નવી દિલ્હી : દેશની પ્રથમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ખડગપુરની પ્લેટિનમ જ્યુબિલી (૭૫મી વર્ષગાંઠ) ઉજવણીમાં સહભાગી થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળના ખડગપુર પહોંચ્યા હતા. કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા ૧૨ વર્ષમાં ભારતે વિચારોની જૂની મર્યાદાઓ તોડીને દેશની વાસ્તવિક ક્ષમતાઓ બહાર લાવી છે, નવી તકો ઊભી કરી છે અને ગરીબોને સશક્ત બનાવ્યા છે.
ગરીબી, પડકારો અને પરિવર્તનની ગાથા
સંબોધન દરમિયાન વડાપ્રધાને ગરીબી અંગેની વર્ષો જૂની માનસિકતા પર પ્રકાશ પાડ્યો હતો અને છેલ્લા ૧૨ વર્ષમાં ૫૦ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાની સિદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે લાલ કિલ્લા પરથી શૌચાલય બનાવવાની વાત કરવામાં આવી ત્યારે સંસદમાં કેટલાક લોકોએ મજાક ઉડાવી હતી, કારણ કે ગરીબ માતા-બહેનો માટે સ્વચ્છતા અને શૌચાલયનું મહત્ત્વ તેઓ સમજી શક્યા નહોતા. વડાપ્રધાને ઉમેર્યું કે, "પડકારોને પડકાર આપવો એ મારો સ્વભાવ છે" અને જ્યારે દેશ પોતાના વિચારોની સીમાઓ તોડે છે ત્યારે જ પોતાની ક્ષમતા ઓળખે છે. સાથે જ તેમણે નશામુક્તિ (anti-narcotics) અભિયાનને વધુ વેગવંતુ બનાવવા પણ આહવાન કર્યું હતું.
"સ્વરાજની આકાંક્ષાથી સ્વાવલંબન સુધીની આ સફર જ વિકસિત ભારતના નિર્માણ પાછળની સાચી પ્રેરક શક્તિ છે." — નરેન્દ્ર મોદી, વડાપ્રધાન
સ્મારક સિક્કો, વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને શતાબ્દીનો સંકલ્પ
૧૯૫૧માં સ્થપાયેલી IIT ખડગપુરના ૭૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વડાપ્રધાને સંસ્થાના ૭૫ વર્ષની સફરને દર્શાવતો વિશેષ સ્મારક સિક્કો ખુલ્લો મુક્યો હતો. તેમણે સંસ્થાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને કૃષિ, ટેક્સટાઇલ, રોબોટિક્સ, એરોસ્પેસ એન્જિનિયરિંગ, ડ્રોન ટેક્નોલોજી તેમજ મેડિકલ ક્ષેત્રના સ્ટાર્ટ-અપ આઇડિયા અને મોડેલ્સનું પ્રદર્શન નિહાળ્યું હતું.
વડાપ્રધાને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે પશ્ચિમ બંગાળ એવી ભૂમિ છે જ્યાં વિચારોને બળ મળ્યું અને રાષ્ટ્રીય આંદોલનો આકાર પામ્યા. જે સ્થળે આજે IIT ખડગપુર ઊભું છે, ત્યાં એક સમયે સ્વાતંત્ર્ય સેનાનીઓને અટકાયતમાં રાખવામાં આવતા હતા. તેમણે વિદ્યાર્થીઓને તે સેનાનીઓના જીવન, વિચારો અને બલિદાનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમની મુખ્ય ઝલક
મુદ્દો
મુખ્ય વિગતો
પ્રસંગ
IIT ખડગપુરની પ્લેટિનમ જ્યુબિલી (૭૫મી વર્ષગાંઠ, સ્થાપના: ૧૯૫૧)
સ્થળ
IIT ખડગપુર કેમ્પસ, પશ્ચિમ મેદિનીપુર, પશ્ચિમ બંગાળ
ખાસ અનાવરણ
IIT ખડગપુરના ૭૫ વર્ષની સફર નિમિત્તે વિશેષ સ્મારક સિક્કો
વિદ્યાર્થી સંવાદ
૭૫ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત અને વિવિધ સ્ટાર્ટ-અપ તથા ટેક્નોલોજી મોડેલ્સનું નિરીક્ષણ
પરિવર્તનનો ઉલ્લેખ
"બળદગાડાથી બુલેટ ટ્રેન સુધી અને પોસ્ટલ પત્રોથી સોશિયલ મીડિયા મેસેજ સુધી"નો બદલાવ
આગળનો કાર્યક્રમ
ખડગપુર બાદ બિહારના વૈશાલીમાં વિકાસકાર્યો અને લખનૌમાં ૫મા કૌશલ દીક્ષાંત સમારોહમાં સહભાગિતાવડાપ્રધાને કહ્યું કે છેલ્લા સાડા સાત દાયકામાં ભારતે મોટું પરિવર્તન જોયું છે અને જ્યારે IIT ખડગપુર પોતાની શતાબ્દી ઉજવે, ત્યાં સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બની જાય તેવા સંકલ્પ સાથે સંસ્થાએ સંશોધન, નવીનતા અને ટેક્નોલોજી દ્વારા દેશની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મહત્ત્વનું યોગદાન આપવું જોઈએ.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
