તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
લડાખમાં સિંધુ નદી પર પથ્થરોનો ખાસ ચેક ડેમ બનાવી ભારતે ચાર કરોડ લીટર પાણી રોક્યું: સંકટગ્રસ્ત સરહદી ક્ષેત્રના સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે ભરપૂર જળ પુરવઠો મળશે
સિંધુ જળ કરાર મોકૂફી વચ્ચે ભારતનું વ્યુહાત્મક કદમ: લડાખના ઉપશી ખાતે ૧૧,૪૦૦ ફૂટની ઊંચાઈએ કંક્રીટ વિના નિર્માણ પામેલા ઈકો-ફ્રેન્ડલી રોક ચેક ડેમથી નદીની જળસપાટી ૧૦ ફૂટ વધી

લેહ (લડાખ):કેન્દ્રશાસિત પ્રદેશ લડાખના વિષમ અને શુષ્ક વાતાવરણમાં ખેતી માટે પાણીની તંગી દૂર કરવાના હેતુથી ભારતે સિંધુ નદીના મૂળ પ્રવાહ પર એક અભૂતપૂર્વ ઈજનેરી સિદ્ધિ હાંસલ કરી છે. લડાખના લેહ જિલ્લામાં આવેલા ઉપશી ખાતે સિંધુ નદી પર કંક્રીટ કે સિમેન્ટનો ઉપયોગ કર્યા વિના માત્ર કુદરતી પથ્થરોની ગોઠવણી કરીને દેશનો પ્રથમ 'રોક ચેક ડેમ' તૈયાર કરવામાં આવ્યો છે. આ વિશેષ માળખાને કારણે નદીનું લગભગ ચાર કરોડ લીટર (૪૦ મિલિયન લીટર) પાણી રોકીને જળાશય તૈયાર કરવામાં સફળતા મળી છે, જેનો સીધો લાભ સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે મળશે.
'સિંધુ જળ સમૃદ્ધિ અભિયાન' હેઠળ માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં તૈયાર કરાયેલા આ ૨૦૦ ફૂટ લાંબા ડેમથી નદીમાં જળસપાટી આશરે ૧૦ ફૂટ સુધી ઊંચી આવી છે. આનાથી ઈગૂ-ફે કેનાલ (Igoo Phey Canal) મારફતે આસપાસના સુકા અને પહાડી વિસ્તારોના ખેતરો સુધી પાણી સરળતાથી પહોંચાડી શકાશે. અત્યાર સુધી વસંતઋતુ અને વાવણીની સીઝનમાં સિંધુ નદીમાં પાણીનું સ્તર નીચું રહેવાને કારણે પંપિંગ દ્વારા પાણી ખેંચવું મુશ્કેલ બનતું હતું, જેનાથી પાકને ભારે નુકસાન થતું હતું. હવે આ ચેક ડેમને લીધે પાણીનો સંગ્રહ થતાં ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે.
સિંધુ જળ કરારને સ્થગિત રાખવાના નિર્ણય બાદ ભારત સરકાર દ્વારા સરહદી વિસ્તારોમાં જળ સંસાધનોના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ૧૧,૪૦૦ ફૂટની ઊંચાઈએ બનેલો આ રોક ચેક ડેમ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર નદીના પ્રવાહને કુદરતી રીતે ફિલ્ટર અને રીચાર્જ પણ કરે છે. સફળ પાયલોટ પ્રોજેક્ટ બાદ પ્રશાસન દ્વારા સિંધુ નદી પર આવા વધુ ચેક ડેમ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે, જેથી લડાખના કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી શકાય.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
