તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
અમેરિકાના 12.5% 'ટેરિફ બોમ્બ' સામે ભારત લાલચોળ: એકપક્ષીય દાદાગીરી સામે દ્વિપક્ષીય વાતચીતની હાકલ
બંધુઆ મજૂરીના કથિત અને પોકળ બહાના હેઠળ વોશિંગ્ટને ભારત સહિત 54 દેશો પર આકરા વેપાર પ્રતિબંધો ઝીંકવાનો પ્રસ્તાવ મૂક્યો

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો છે. અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર પ્રસ્તાવિત 12.5% ના તોતિંગ વધારાના ટેરિફ (વેપાર કર) સામે ભારત સરકારે અત્યંત સખત અને આકરો વાંધો ઉઠાવ્યો છે. કલમ 301 હેઠળ અમેરિકાએ ભારત પર એવો વાહિયાત આરોપ લગાવ્યો છે કે તે પોતાના દેશમાં બંધુઆ મજૂરી (બળજબરીથી અપાતી રોજગારી) રોકવા માટે કડક કાયદા ઘડવામાં નિષ્ફળ રહ્યું છે. આ કથિત તપાસના નામે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ એ ભારત અને ચીન સહિત વિશ્વની 54 અર્થવ્યવસ્થાઓ પર અતિરિક્ત ટેરિફ લાદવાની હિલચાલ શરૂ કરી છે. ભારત સરકારે આ એકપક્ષીય અને જોહુકમીભરી કાર્યવાહીને તાત્કાલિક અસરથી પાછી ખેંચવાની માંગ કરી છે અને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે વેપારના વિવાદો ટેરિફના હથિયાર ઉગામવાને બદલે માત્ર દ્વિપક્ષીય વાતચીતથી જ ઉકેલાવા જોઈએ.
અમેરિકાની આ દાદાગીરીનો આંતરરાષ્ટ્રીય મંચ પર સણસણતો જવાબ આપવા માટે ભારતના વાણિજ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ બ્રિજ મોહન મિશ્રાએ USTR ની જાહેર સુનાવણીમાં ભારતનો પક્ષ અત્યંત મજબૂતાઈથી રજૂ કર્યો હતો. તેમણે અમેરિકાને આડે હાથ લેતા કહ્યું કે, બંધુઆ મજૂરી નાબૂદ કરવી એ ભારતીય બંધારણ અને આપણી આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનો એક અભિન્ન હિસ્સો છે. વોશિંગ્ટન પાસે એવો કોઈ સચોટ કે વૈજ્ઞાનિક પુરાવો નથી જે સાબિત કરી શકે કે અમેરિકા મોકલાતી ભારતીય નિકાસમાં આવી કોઈ મજૂરીનો ઉપયોગ થાય છે અથવા તેનાથી અમેરિકી કંપનીઓને કોઈ નુકસાન થઈ રહ્યું છે. ભારતે અમેરિકાની આ તપાસ પ્રક્રિયાની મોટી ખામીઓ અને વિરોધાભાસોને ખુલ્લા પાડતા પ્રશ્ન કર્યો હતો કે જો ભારત પર આવા આરોપો છે, તો યુએસ દ્વારા પોતાના ફાયદા માટે ભારતના આશરે 1,600 ઉત્પાદનોને આ ટેરિફમાંથી મુક્તિ કેમ આપવામાં આવી છે?
આ વિવાદ એવા નાજુક સમયે સામે આવ્યો છે જ્યારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને યુએસ વેપાર પ્રતિનિધિઓ વચ્ચે એક ઐતિહાસિક દ્વિપક્ષીય વેપાર કરારને આખરી ઓપ આપવા માટે અંતિમ તબક્કાની વાટાઘાટો ચાલી રહી છે. ફિક્કી (FICCI) જેવા ભારતીય અગ્રણી ઉદ્યોગ સંગઠનોએ પણ અમેરિકાને ચેતવણી આપી છે કે આ આકરો ટેરિફ માત્ર ભારતીય નિકાસકારોને જ નહીં, પરંતુ અમેરિકાના સામાન્ય ગ્રાહકો અને સ્થાનિક ઉત્પાદકો પર પણ મોંઘવારીનો અસહ્ય બોજ નાખશે. ભારતે અરીસો બતાવતા કહી દીધું છે કે તે મહાસત્તા અમેરિકા સાથે મજબૂત વ્યાપારી સંબંધો ઈચ્છે છે અને તમામ કાયદેસરની ચિંતાઓ પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ દેશના નિકાસકારોના સ્પર્ધાત્મક આર્થિક લાભ અને રાષ્ટ્રીય ગૌરવ સાથે સમાધાન કરીને કોઈ પણ એકપક્ષીય જોહુકમીવાળી શરતો ક્યારેય સ્વીકારશે નહીં.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
