News of Saturday, 10th October 2026
"ભારત એટલે માત્ર નકશો નહીં, પરંતુ 'ભારત પુરુષ' છે" - કન્યાકુમારી ખાતે દિવ્ય 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથાનો ભવ્ય પ્રારંભ : જુઓ વિડિયો
પૂ. મોરારીબાપુના વ્યાસાસને આદિ શંકરાચાર્યજીની ભાવ વંદના સાથે સનાતન સંદેશ અર્થે યાત્રારંભ : દેશ-વિદેશના ભાવિક ભક્તો 'કૈલાસ' અને 'ચિત્રકૂટ' વિશેષ રેલગાડી દ્વારા જોડાયા

કન્યાકુમારી:ભારત એટલે માત્ર નકશો નહીં, પરંતુ 'ભારત પુરુષ' છે તેવી દિવ્ય સંકલ્પના વ્યક્ત કરતા પૂ. મોરારીબાપુ દ્વારા કન્યાકુમારીના સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ખાતેથી સનાતન સંદેશ અર્થે 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથાનો ઉમંગભેર શુભારંભ કરવામાં આવ્યો છે. ધર્માચાર્યોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલી આ કથાના પ્રારંભે પૂ. મોરારીબાપુએ નવરાત્રિના અવસરે મા કન્યાકુમારીની વંદના કરી હતી તેમજ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનું સ્મરણ કરી પ્રણામ અર્પણ કર્યા હતા.
આ યાત્રાની ભૂમિકા સ્પષ્ટ કરતા પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે ભગવાનના નામ, રૂપ, કથા અને સ્થાન આ બધું જ મંગળકારી છે અને આ ચાર પીઠની યાત્રા કોઈ વિક્રમ સર્જવા માટે નહીં, પરંતુ સૌ કોઈ નિમિત્ત બનવાનો ભાવ ધરાવે છે. તેમણે આ યાત્રાના ચાર મુખ્ય પાસાં - ત્યાગ, તપ, તિતિક્ષા અને તર્પણનું મહત્ત્વ સમજાવીને સૌને એકબીજા સાથે જોડવાનો સંદેશ આપ્યો હતો તેમજ માનસિક સાવધાની રાખવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
પ્રથમ તબક્કા અંતર્ગત કન્યાકુમારીથી કેદારનાથ સુધીની આ યાત્રા યોજાઈ રહી છે, જ્યારે બીજા તબક્કામાં દ્વારકાથી જગન્નાથપુરીની કથાયાત્રાનું આયોજન હાથ ધરાશે. કન્યાકુમારી ખાતે પ્રથમ દિવસની કથાના પ્રારંભ અગાઉ રેલમથક ઉપર યાત્રાનો શુભારંભ ઉપક્રમ યોજાયો હતો. આ પવિત્ર યાત્રામાં 'કૈલાસ' અને 'ચિત્રકૂટ' એમ બે વિશેષ રેલગાડી દ્વારા દેશ-વિદેશના રસિક શ્રોતાઓ અને ભાવિક ભક્તો જોડાઈને દિવ્ય લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. આ સમગ્ર પ્રારંભિક સંચાલન કવિ નીતિનભાઈ વડગામા દ્વારા કરવામાં આવ્યું હતું. કન્યાકુમારી ખાતે પ્રથમ દિવસના કથાગાન બાદ બીજા દિવસે કથાયાત્રા આદિ શંકરાચાર્યજીના જન્મસ્થાન એવા કાલડી તીર્થ ખાતે રવાના થઈ હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
