<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

દુનિયા સ્‍વાર્થી બની ત્‍યારે ભારત સારથિ બન્‍યુઃજયશંકરે વિકસિત દેશોના રસી સંગ્રહખોરી પર કર્યા પ્રહાર

વસ્‍તી કરતા આઠ ગણી રસીઓ દબાવી રાખવી એ કયા પ્રકારની માનવતા? : રસીના મામલે મેલી રમતનો ખુલાસો : વિદેશ મંત્રીએ નામ લીધા વગર એક નિશાન સાધ્‍યું

નવી દિલ્‍હી, તા.૮: દક્ષિણ અમેરિકાના દેશ સુરીનામની મુલાકાતે ગયેલા ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કોવિડ-૧૯ મહામારીના કાળા દિવસોને યાદ કરતા વિકસિત દેશોના વલણ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે જ્‍યારે આખી દુનિયા રસી માટે તડપતી હતી, ત્‍યારે એક અતિ વિકસિત દેશે પોતાની જરૂરિયાત કરતા આઠ ગણી વધુ રસીઓનો જથ્‍થો સંગ્રહ કરી રાખ્‍યો હતો. નામ લીધા વગર કટાક્ષ કરતા જયશંકરે કહ્યું કે આ દેશોએ માનવતા કરતા પોતાના સંકુચિત સ્‍વાર્થને વધુ મહત્‍વ આપ્‍યું હતું, જે તે સમયે વિકાસશીલ દેશો માટે મોટું સંકટ સાબિત થયું હતું.

જયશંકરે સુરીનામમાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓને સંબોધતા જણાવ્‍યું કે, એક રાજદ્વારી તરીકે હું તે દેશનું નામ નહીં લઉં, પરંતુ તે ચોક્કસપણે કોઈ વિકાસશીલ દેશ નહોતો. તેમણે ગર્વ સાથે ભારતની ‘વેક્‍સિન મૈત્રી' પહેલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્‍યારે મોટા દેશો સ્‍વાર્થી બનીને બેઠા હતા, ત્‍યારે ભારતે પોતાના રાષ્‍ટ્રીય હિતોની સાથે વૈશ્વિક જવાબદારી પણ નિભાવી હતી. ભારતે વિશ્વના અનેક નાના અને ગરીબ દેશો સુધી મફતમાં રસી પહોંચાડીને સાબિત કર્યું હતું કે એક સાચો ભાગીદાર એ જ છે જે મુશ્‍કેલીના સમયમાં આખી દુનિયાને પરિવાર ગણીને મદદ માટે હાથ લંબાવે.

ભારત અને સુરીનામના ગાઢ સંબંધો પર ભાર મૂકતા વિદેશ મંત્રીએ ઉમેર્યું કે ભારત સુરીનામને માત્ર એક બિઝનેસ પાર્ટનર નહીં પરંતુ પરિવારના સભ્‍ય તરીકે જુએ છે. તેમણે સ્‍પષ્ટ કર્યું કે ભવિષ્‍યમાં પણ ભારત દક્ષિણ અમેરિકાના દેશો સાથે ટેક્રોલોજી, સ્‍વાસ્‍થ્‍ય અને શિક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા કટિબદ્ધ છે. વિદેશ મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્‍યું છે જ્‍યારે વૈશ્વિક સ્‍તરે ભારતની ભૂમિકા ‘વિશ્વબંધુ' તરીકે વધુ મજબૂત બની રહી છે અને પાશાત્‍ય દેશોની પહેલા અમેઁની નીતિની ટીકા થઈ રહી છે.

(11:28 AM IST)