તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
ગ્લોબલ સોલાર માર્કેટ પર પકડ જમાવવા મથતા ચીનને ભારતે આપ્યો જોરદાર ઝટકો: સબસિડી વિવાદમાં વિવાદ પેનલની રચના કરવાની બેઇજિંગની વિનંતીને WTOમાં ફગાવી દીધી
૮૦% થી વધુ ગ્લોબલ સપ્લાય ચેઈન કંટ્રોલ કરનાર ચીનની દાનત પર ભારતે ઉઠાવ્યા ગંભીર સવાલો; 'ગ્રીન એનર્જી' ક્ષેત્રે આત્મનિર્ભર બનવાના ભારતના પ્રયાસોને રોકવા ડ્રેગનની નવી ચાલ નિષ્ફળ

નવી દિલ્હી : વૈશ્વિક વેપાર મંચ (WTO) પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી આર્થિક લડાઈ હવે વધુ ઉગ્ર બની છે. ભારતે ગ્રીન એનર્જી અને ખાસ કરીને સોલાર (સૌર ઊર્જા) ક્ષેત્રે પોતાના સ્થાનિક ઉદ્યોગોને બચાવવા માટે ચીન સામે શાનદાર રાજદ્વારી જીત મેળવી છે. સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે મળેલી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO) ની વિવાદ સમાધાન સંસ્થા (DSB) ની મહત્વપૂર્ણ બેઠકમાં, ભારતે સોલાર સેલ, મોડ્યુલ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે નવી દિલ્હીના નીતિગત સમર્થન પગલાં વિરુદ્ધ તપાસ પેનલ ગઠિત કરવાની ચીનની સત્તાવાર વિનંતીને મજબૂતાઈથી અવરોધિત (બ્લોક) કરી દીધી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ગયા વર્ષે ડિસેમ્બરમાં થઈ હતી, જ્યારે ચીને ભારતની સોલાર નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દાને પરસ્પર સંમતિથી ઉકેલવા માટે બંને દેશો વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય વાર્તાલાપ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી, જેના કારણે આ મહિનાની શરૂઆતમાં ચીને WTO સમક્ષ આંતરરાષ્ટ્રીય તપાસ પેનલ રચવાની માંગ કરી હતી. ચીનનો મુખ્ય આરોપ એવો છે કે ભારત ચોક્કસ હાઈ-ટેક આઈટી પ્રોડક્ટ્સ પર ભારે આયાત જકાત (ટેરિફ) લગાવી રહ્યું છે, અને સરકારી પ્રોજેક્ટ્સમાં સ્થાનિક સ્તરે બનેલા સોલાર સાધનોના ઉપયોગનો આગ્રહ રાખીને ચીની માલસામાન સામે ખુલ્લો ભેદભાવ કરી રહ્યું છે. બેઇજિંગે દાવો કર્યો હતો કે ભારતના આ પ્રોત્સાહનો WTO ના સબસિડી અને વેપાર સંબંધિત નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે.
ભારતે ચીનના આ તમામ નકારાત્મક આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે ભારતના તમામ આર્થિક પગલાં અને સબસિડીઓ વૈશ્વિક વેપારના નિયમોને આધીન જ છે. ભારતીય પ્રતિનિધિઓએ બેઇજિંગ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, આ એક મોટી વિડંબના છે કે જે દેશ (ચીન) વૈશ્વિક સોલાર મોડ્યુલની 'વેલ્યુ ચેઈન' પર ૮૦ ટકાથી વધુ એકહથ્થુ નિયંત્રણ ધરાવે છે, તે જ દેશ હવે અન્ય વિકાસશીલ દેશોના કાયદેસર અને આત્મનિર્ભર બનવાના પ્રયાસોને રોકવા માટે આવા હીન હથકંડા અપનાવી રહ્યો છે.
જોકે, સ્થાપિત નિયમો અનુસાર, ચીન આગામી સમયમાં યોજાનારી બીજી બેઠકમાં આ વિનંતીનું નવીકરણ કરી શકે છે. કોઈ પણ સભ્ય દેશ પ્રથમ વિનંતીને નકારવાનો કાનૂની અધિકાર ધરાવે છે, પરંતુ જો ચીન બીજીવાર વિનંતી કરશે તો નિયમો મુજબ તપાસ પેનલ આપમેળે સક્રિય થઈ જશે. આ પેનલ ભવિષ્યમાં નક્કી કરશે કે ભારતની પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના અને મંજૂર મોડેલ્સ અને ઉત્પાદકોની સૂચિ (ALMM) જેવી આત્મનિર્ભર ભારતની નીતિઓ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો સાથે સુસંગત છે કે નહીં. ચીન આ સિવાય પણ ભારતના ઓટોમોટિવ અને રિન્યુએબલ એનર્જી સેક્ટરના નિર્ણયો સામે WTOમાં એક અલગ મોરચે કેસ ચલાવી રહ્યું છે.
આ આર્થિક ખેંચતાણ વચ્ચે સૌથી ચોંકાવનારો આંકડો એ છે કે, વર્ષ ૨૦૨૫-૨૬માં ચીન ફરી એકવાર અમેરિકાને પછાડીને ભારતનો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર બની ગયો છે. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર અસાધારણ રીતે વધીને ૧૫૧.૧ અબજ ડોલર પર પહોંચ્યો છે. જોકે, ચિંતાની વાત એ છે કે આ વેપારમાં ભારતની વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) પણ વધીને ૧૧૨.૧૬ અબજ ડોલર થઈ ગઈ છે, જે દર્શાવે છે કે ભારત ચીનમાંથી મોટા પાયે આયાત કરી રહ્યું છે. આ જ નિર્ભરતા ઘટાડવા માટે ભારત સરકાર સ્થાનિક સોલાર ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે, જે ડ્રેગનની આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
