તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
ભારત સેનામાં ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન સિસ્ટમના ઝડપી અમલીકરણ માટે સજ્જ, યુરોપમાં શસ્ત્ર નિકાસમાં પણ વધારો
રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વ યુદ્ધના અનુભવોથી પાઠ શીખીને કટોકટી ખરીદી રૂટ હેઠળ અત્યાધુનિક લશ્કરી સાધનો મેળવવાની તૈયારી

નવી દિલ્હી : રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વના સંઘર્ષોમાંથી મળેલા પાઠનો ઉલ્લેખ કરતા સંરક્ષણ સચિવ રાજેશ સિંહે શુક્રવારે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ (કટોકટી ખરીદી) રૂટ હેઠળ માનવરહિત સિસ્ટમ્સ, કાઉન્ટર-ડ્રોન સાધનો, મોબાઇલ આર્ટિલરી અને મોબાઇલ રડાર જેવા અત્યાધુનિક લશ્કરી સરંજામ ઝડપથી ખરીદી રહ્યું છે. KPMG દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે યુરોપ હવે ભારતમાં બનેલા લશ્કરી હાર્ડવેર માટે એક મોટું અને સમૃદ્ધ બજાર બનીને ઊભર્યું છે.
મળતી વિગતો મુજબ, યુરોપમાં 'રીઆર્મ યુરોપ' પહેલને કારણે ભારત યુરોપમાં શસ્ત્રોનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો છે. ભારતમાંથી આર્ટિલરી શેલ, મોટા અને નાના કેલિબરના દારૂગોળા ઉપરાંત બુલેટપ્રૂફ જેકેટ, હેલ્મેટ, નાના શસ્ત્રો અને વિમાનના પાર્ટ્સ મોટા પ્રમાણમાં યુરોપમાં મોકલવામાં આવી રહ્યા છે. સંરક્ષણ સચિવે જણાવ્યું હતું કે સશસ્ત્ર દળો માટે ભૌગોલિક થિયેટર કમાન્ડની રચના અંગેની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે અને તે ઉચ્ચ સ્તરીય મંજૂરીની રાહ જોઈ રહી છે. ભારતે યુરોપિયન યુનિયન સાથે પ્રથમ સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી તથા મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે ભારત હવે માત્ર સાધનોની ખરીદી પૂરતું સીમિત ન રહેતા મૈત્રીપૂર્ણ દેશો સાથે સંરક્ષણ તકનીકોના સહ-ઉત્પાદન, સહ-વિકાસ અને સંયુક્ત માલિકી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ભારતના પશ્ચિમી પાડોશી સાથેના તાજેતરના સંઘર્ષનો ઉલ્લેખ કરતા સિંહે કહ્યું કે ભારત પોતાના નક્કી કરેલા ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા પછી જ સંઘર્ષ સમાપ્ત કરવામાં સફળ રહ્યું હતું. હાલ ભારતે એક મજબૂત સ્થાનિક ડ્રોન ઇકોસિસ્ટમ તૈયાર કરી છે, જ્યાં સ્થાનિક ઉત્પાદકો લશ્કરી જરૂરિયાતોને પૂર્ણ કરવા સક્ષમ બની રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની ‘આત્મનિર્ભર ભારત’ નીતિને કારણે દેશના સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. દેશમાં ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન ટેકનોલોજીના ઝડપી અમલીકરણ બાદ ભારતીય સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનશે અને આગામી દિવસોમાં ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદકોનું વર્ચસ્વ વધુ વધવાની પ્રબળ શક્યતા છે.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
