<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

ભારતે બનાવ્યો પોતાનો કૃત્રિમ ‘સૂરજ’: બેંગ્લુરુના સ્ટાર્ટઅપે રચ્યો ઈતિહાસ, ન્યુક્લિયર ફ્યુઝન ક્ષેત્રે મેળવી મોટી સફળતા!

પ્રનોસ ફ્યૂઝન કંપનીના ‘પ્રજ્ઞા’ (PRAGYA) ટોકામકમાં પ્રથમવાર સફળતાપૂર્વક પ્લાઝમાનું નિર્માણ; ૨૦ વર્ષ સુધી પ્રયોગો હાથ ધરી ૨૦૩૦ સુધીમાં ઊર્જા ક્ષેત્રે ક્રાંતિ સર્જવાનું લક્ષ્ય

બેંગ્લુરુ : વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરીને વિશ્વ સમક્ષ પોતાની ક્ષમતા સાબિત કરી છે. સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરુના એક પ્રાઇવેટ સ્ટાર્ટઅપ ‘પ્રનોસ ફ્યૂઝને’ દેશનો સૌથી પહેલો ખાનગી કૃત્રિમ સૂરજ બનાવીને ઐતિહાસિક સફળતા મેળવી છે. કંપનીએ પોતાના આધુનિક ‘PRAGYA’ (પ્રજ્ઞા) નામના ટોકામક મશીનમાં પ્રથમવાર સફળતાપૂર્વક પ્લાઝમા તૈયાર કર્યું છે. આશરે ૪૦ સેમી. રેડિયસ ધરાવતું આ મશીન તૈયાર કરવામાં એન્જિનિયરોને માત્ર ૮ મહિનાનો સમય લાગ્યો હતો.

 

શું છે આ મશીનની કાર્યપદ્ધતિ અને મુખ્ય ઉપયોગ?

 

‘PRAGYA’ મશીન હાલમાં સીધી વીજળી પેદા કરવા માટે નહીં પરંતુ એક ટેસ્ટિંગ મોડેલ તરીકે પ્રયોગો હાથ ધરવા માટે બનાવવામાં આવ્યું છે. ટોકામક એક એવું ખાસ મશીન છે જેમાં ચુંબકીય શક્તિ (મેગ્નેટિક ફીલ્ડ)ની મદદથી અતિશય ગરમ પ્લાઝમાને કંટ્રોલ કરી શકાય છે. જેમ સૂર્યની અંદર પરમાણુઓના જોડાણ (ફ્યુઝન) દ્વારા અસીમ ઊર્જા ઉત્પન્ન થાય છે, તે જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ધરતી પર કૃત્રિમ સૂરજ બનાવવાનો આ એક મોટો પ્રયાસ છે. આ મશીન આગામી ૨૦ વર્ષ સુધી કાર્યરત રહેશે, જેમાં દર વર્ષે ૩,૦૦૦ થી વધુ પ્લાઝમા શોટ લઈને ફ્યુઝન સંબંધિત મહત્વનો ડેટા એકત્રિત કરવામાં આવશે.

 

૨૦૩૦ સુધીમાં નેટ એનર્જી ગેઇન રિએક્ટર બનાવવાનું લક્ષ્ય:

 

કંપનીએ ભવિષ્ય માટે અત્યંત આશાસ્પદ રોડમેપ તૈયાર કર્યો છે. ‘પ્રનોસ ફ્યૂઝન’ વર્ષ ૨૦૨૭ સુધીમાં હાઈ ટેમ્પરેચર સુપરકંડક્ટિંગ (HTS) મેગ્નેટ ચાલુ કરવાની યોજના ધરાવે છે. ત્યારબાદ ૨૦૩૦ સુધીમાં ‘PraniQ’ નામનું એક નેટ એનર્જી ગેઇન રિએક્ટર બનાવવાનું લક્ષ્ય છે, જેમાં પ્રક્રિયા ચલાવવા માટે વપરાતી ઉર્જા કરતાં ફ્યુઝનમાંથી મળતી ઉર્જાનું પ્રમાણ અનેક ગણું વધારે હશે.

 

ભારતમાં વૈજ્ઞાનિકોની નવી પેઢી તૈયાર થશે:

 

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ટેકનોલોજી વિકસાવવાનો નથી, પરંતુ ભારતમાં ફ્યુઝન વિજ્ઞાન અને પ્લાઝ્મા ફિઝિક્સ ક્ષેત્રે યુવા વૈજ્ઞાનિકો અને સંશોધકોનો એક મોટો સમૂહ તૈયાર કરવાનો પણ છે. ‘પ્રજ્ઞા’ દ્વારા થનારા લાંબા ગાળાના પ્રયોગોથી ભારતીય વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને ફ્યુઝન ટેકનોલોજીને નજીકથી સમજવાની સુવર્ણ તક મળશે, જે ભવિષ્યમાં ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

(5:55 PM IST)