તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
SIR પ્રક્રિયા સામે 'ઇન્ડિયા' ગઠબંધનનું હલ્લાબોલ: ૭ ઓક્ટોબરે દિલ્હીમાં ચૂંટણી પંચના કાર્યાલય સામે યોજાશે મહાધરણાં
વિપક્ષી દળોએ ચૂંટણી કમિશન વિરૂદ્ધ મોરચો ખોલ્યો: મતદાર યાદી સુધારણા ને તાત્કાલિક રદ્દ કરવા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં શક્તિપ્રદર્શનની તૈયારીઓ પૂર્ણ

નવી દિલ્હી : ચૂંટણી પંચની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા સામે વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' એ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે ખુલ્લી જંગનું એલાન કરી દીધું છે. કોંગ્રેસ, સીપીઆઈ, સીપીઆઈ (એમ), આરજેડી, એનસીપી અને આરએસપી સહિતના અગ્રણી વિપક્ષી પક્ષોએ આગામી ૭ ઓક્ટોબરે રાજધાની દિલ્હીમાં ચૂંટણી પંચના કાર્યાલય ઘેરવાની સત્તાવાર ઘોષણા કરી છે. આ સંયુક્ત વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી નેતાઓ SIR પ્રક્રિયાને તાત્કાલિક અસરથી નાબૂદ કરવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગણી કરશે.
દિલ્હી કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ આક્રમક રણનીતિ ઘડવામાં આવી હતી. દિલ્હી કોંગ્રેસના મહાસચિવ અનિલ ભારદ્વાજે બેઠક અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, વર્તમાન SIR પ્રક્રિયા સંપૂર્ણપણે ખામીયુક્ત, પક્ષપાતી અને લોકશાહીના પાયા સમાન મતદારોના અધિકારો પર ત્રાપ મારનારી છે. ગઠબંધનના તમામ નેતાઓએ એકસૂરે સ્પષ્ટ કર્યું છે કે જો આ પ્રક્રિયા દ્વારા સામાન્ય નાગરિકોના નામો મતદાર યાદીમાંથી ગાયબ થઈ રહ્યા હોય કે તેમના મતાધિકાર છીનવાઈ રહ્યા હોય, તો ઇન્ડિયા ગઠબંધન તેને કોઈ પણ ભોગે સાંખી લેશે નહીં.
આ આગામી મહાધરણાંનો મુખ્ય હેતુ દિલ્હી સહિત સમગ્ર દેશના મતદારોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાનો અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે. વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે બંધારણની જોગવાઈઓને બાજુ પર મૂકીને મનસ્વી રીતે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સીપીઆઈના દિનેશ સી. વરસાણે, સીપીઆઈ(એમ)ના અનુરાગ સક્સેના અને આરજેડીના નવલ કિશોર સહિતના પ્રમુખ નેતાઓએ જાહેરાત કરી છે કે ૭ ઓક્ટોબરનું આ આંદોલન લોકશાહી અને નિષ્પક્ષ ચૂંટણી પ્રણાલીને બચાવવા માટે એક નિર્ણાયક વળાંક સાબિત થશે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
