News of Wednesday, 2nd September 2026
નેપાળમાં પૂરની ભયાનક તબાહી વચ્ચે ભારત અને ચીનની મદદ: વડાપ્રધાન બાલેન શાહે બન્ને પાડોશી દેશોનો માન્યો આભાર
૧,૦૦૦ થી વધુ લોકોના મોત બાદ સંસદમાં રાહત કામગીરીની સમીક્ષા; વિદેશ મંત્રીની વૈશ્વિક પ્રદૂષક દેશો પાસેથી ‘આબોહવા વળતર’ (Climate Compensation) ની માંગ

કાઠમંડુ, તા.૦૨: નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે, જેમાં ૧,૦૦૦ થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ કુદરતી આપદા દરમિયાન સમયસર રાહત અને બચાવ સામગ્રી પહોંચાડવા બદલ નેપાળના વડાપ્રધાન બાલેન શાહે ભારત અને ચીનનો ઔપચારિક આભાર વ્યક્ત કર્યો છે. નેપાળી સંસદને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે પ્રથમ દિવસથી જ ભારત અને ચીનના ટેકનિશિયનોએ હવાઈ તપાસ કરીને દુર્ગમ વિસ્તારોમાં રાહત પહોંચાડવામાં મદદ કરી હતી.
પ્રધાનમંત્રી શાહે સ્થિતિની ગંભીરતા વર્ણવતા કહ્યું કે, "પૂર બાદ કાદવ અને મલબો એટલો ગંભીર હતો કે માત્ર જેસીબી કે ખોદકામ કરનારા જ નહીં, પરંતુ સેના અને સશસ્ત્ર પોલીસ બળના જવાનો માટે પણ પગ મૂકવાની જગ્યા નહોતી. આવી અપવાદરૂપ સ્થિતિમાં મિત્ર રાષ્ટ્રોની સહાય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે." ભારતીય વાયુસેનાએ કટોકટી પુરવઠા માટે અનેક ફ્લાઈટ્સ ભરીને રાહત સામગ્રીનો પાંચમો હપ્તો પણ નેપાળ પહોંચાડ્યો છે.
'દાન નહીં, કાનૂની અધિકાર': નેપાળની ક્લાઈમેટ કોમ્પેન્સેશન માંગ
આ આભાર સંદેશ વચ્ચે નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનાલે એક મહત્વનું નિવેદન આપતાં કહ્યું છે કે નેપાળ હવે પરંપરાગત માનવતાવાદી સહાયને બદલે ભારત, ચીન અને અમેરિકા જેવા મોટા ઉત્સર્જક (પ્રદૂષક) દેશો પાસેથી "ક્લાઈમેટ કોમ્પેન્સેશન" (આબોહવા વળતર) માંગવા તરફ વધી રહ્યું છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ દાનની વિનંતી નથી પરંતુ પર્યાવરણીય નુકસાન સામે કાનૂની અને નૈતિક ન્યાય મેળવવાનો વિષય છે. નેપાળ આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દો ખૂબ જ દ્રઢતા સાથે ઉઠાવશે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
