તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
મોદીની વાત માનીને ભારત ૪૫ અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ બચાવી શકે
નાણાકીય વર્ષ ૨૦૨૬ના ડેટા મુજબ ક્રૂડની આયાતમાં ૧૦ ટકા ઘટાડો કરવાથી ૧૩.૫ અબજ ડોલરની બચત થઈ શકે છે

નવી દિલ્હી તા.૧૩: વડા પ્રધાન મોદી દ્વારા દેશવાસીઓને આયાતી ચીજવસ્તુઓનો વપરાશ ઘટાડવા અને વિદેશી ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે કરવામાં આવેલી અપીલ જો અમલમાં આવે તો ભારત વાર્ષિક ૪૫ અબજ ડોલરથી વધુનું વિદેશી હૂંડિયામણ બચાવી શકે છે. તાજેતરના એક વિશ્લેષણ મુજબ આયાતી તેલ, સોનું અને વિદેશપ્રવાસ જેવાં ક્ષેત્રોમાં સામાન્ય ફેરફાર કરવાથી દેશની તિજોરી પરનું ભારણ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. વિશ્લેષણ દર્શાવે છે કે જો ક્રૂડ ઑઇલ, સોનું અને ખાદ્ય તેલના વપરાશમાં માત્ર ૧૦ ટકા ઘટાડો કરવામાં આવે, ખાતરની આયાતમાં પચાસ ટકાનો કાપ મુકાય અને વિદેશપ્રવાસ પાછળ થતો ખર્ચ અટકાવવામાં આવે તો ભારતને મોટો આર્થિક લાભ થઈ શકે છે. તાજેતરમાં વડા પ્રધાને હાકલ કરી હતી કે યુદ્ધની વિપરીત અસરો ઘટાડવા અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે આપણે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો અત્યંત સંયમપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે તથા એક વર્ષ માટે સોનાની ખરીદી અને વિદેશપ્રવાસ ટાળવાની જરૂર છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ના ડેટા મુજબ ક્રૂડની આયાતમાં ૧૦ ટકા ઘટાડો કરવાથી ૧૩.૫ અબજ ડોલરની બચત થઈ શકે છે.
૨૦૨૫-'૨૬માં સોનાની આયાત ૭૨ અબજ ડોલરના વિક્રમી સ્તરે પહોંચી છે. એમાં ૧૦ ટકા કાપ મૂકતાં ૭.૨ અબજ ડોલર બચી શકે છે.
ખાદ્ય તેલની આયાતમાં ૧૦ ટકા ઘટાડો કરવાથી આયાત બિલમાં ૧.૯૫ અબજ ડોલરનો ઘટાડો થઈ શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ખાતરનો ઉપયોગ ૫૦ ટકા ઘટાડવાની વિનંતી કરી છે, જેનાથી આશરે ૭.૩ અબજ ડોલરની બચત અંદાજવામાં આવી છે.
વર્ષ ૨૦૨૬માં આશરે ૨૮.૮ અબજ ડોલર વિદેશ મોકલવામાં આવ્યા છે. વડા પ્રધાને મધ્યમ વર્ગમાં વધતાં વિદેશી લગ્નો
અને વેકેશનના કલ્ચરને હાલના કટોકટીના સમયમાં રોકવાની અપીલ કરી છે. જો આ ખર્ચ પર એક વર્ષ માટે વિરામ મૂકવામાં આવે તો દેશમાં અંદાજે ૧૫.૮ અબજ ડોલર જળવાઈ રહેશે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
