<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

નેપાળમાં જળપ્રલય વચ્ચે ભારત બડી બહેન બનીને મદદે આવ્યું: પૂરગ્રસ્ત પડોશી દેશ માટે ૫.૫ ટન દવાઓ અને ૧૧ સભ્યોની સ્પેશિયલ બચાવ ટીમ રવાના

નેપાળમાં મૃત્યુઆંક વધીને ૧,૧૨૭ થયો, ૪,૮૫૮ લોકો હજુ પણ ગુમ; ભારતે અત્યાર સુધીમાં ૬૮ ટનથી વધુ રાહત સામગ્રી અને તબીબી ટીમો મોકલી

કાઠમંડુ : હિમાલયન રાષ્ટ્ર નેપાળમાં અચાનક આવેલી વિનાશક પૂરની હોનારતે હાહાકાર મચાવ્યો છે. કુદરતી આફતના આ કઠિન સમયમાં ભારતે પડોશી દેશ પ્રત્યે માનવતા દર્શાવીને મદદનો હાથ લંબાવ્યો છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જાહેરાત કરી છે કે ભારતે ગુરુવારે રાહત સામગ્રીનો પાંચમો હપ્તો રવાના કર્યો છે, જેમાં ૧૧ સભ્યોની સ્પેશિયલ રેસ્ક્યૂ ટીમ, આધુનિક સાધનો અને ૫.૫ ટન અત્યાવશ્યક દવાઓનો સમાવેશ થાય છે.

 

નેપાળમાં અચાનક આવેલા પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે અને મૃત્યુઆંક વધીને ૧,૧૨૭ પર પહોંચી ગયો છે. નેપાળ પોલીસના જણાવ્યા મુજબ ચિત્વનમાંથી ૩૪૮, નવલપરાસીમાંથી ૪૦૭ અને અન્ય વિસ્તારોમાંથી સેંકડો મૃતદેહો મળી આવ્યા છે. હજુ પણ ૪,૮૫૮ લોકો લાપતા છે, જેમના માટે સઘન શોધખોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સેના અને સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં ૬,૫૪૧ થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.

 

૬૮ ટનથી વધુ રાહત સામગ્રી સાથે ભારતની તાત્કાલિક સહાય

 

૨૬ ઓગસ્ટે આપત્તિ આવ્યાના ગણતરીના કલાકોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે વાતચીત કરીને તમામ સભવ મદદની ખાતરી આપી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતે કટોકટીના સમયે ૬૮ ટનથી વધુ રાહત સામગ્રી, તબીબી કર્મચારીઓ, ડોક્ટરો, પેરામેડિક્સ અને સર્ચ રેસ્ક્યૂ નિષ્ણાતોની ટુકડીઓ નેપાળ મોકલી આપી છે.

 

પરિવારો પોતાના ગુમ થયેલા સ્વજનોને ઓળખી શકે તે માટે પોલીસે ૯૧૧ અજાણ્યા મૃતદેહોની વિગતો પણ પોર્ટલ પર અપલોડ કરી છે. નેપાળમાં સર્જાયેલી આ માનવતાવાદી કટોકટી વચ્ચે ભારતની આ ઝડપી સહાય પ્રાદેશિક એકતા અને મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

 

(6:59 PM IST)