તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
સંસદથી ચૂંટણી પંચ સુધી INDIA બ્લોકનું હલ્લાબોલ
૧૪૦ સાંસદોની કૂચઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિપક્ષનો હોબાળો : આમ આદમી પાર્ટી અને ડીએમકે નહી જોડાયઃ ત્રણ હજારથી વધુ જવાનો તૈનાત

નવી દિલ્હી, તા.૬: નવી દિલ્હીમાં SIR અને ચૂંટણી પંચની કામગીરી સામે ઇન્ડિયા બ્લોક દ્વારા એક ભવ્ય વિરોધ કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. સંસદ ભવનથી નિર્વાચન સદન સુધી કાઢવામાં આવનારી આ કૂચમાં દેશભરમાંથી ૧૪૦ કરતાં વધુ વિપક્ષી સાંસદો જોડાવા માટે સજ્જ થયા છે. દિલ્હીના મધ્ય ભાગમાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે, ત્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તળણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે દિલ્હી રવાના થઈ ગયા છે, જ્યારે શિવસેના સાંસદ સંજય રાઉત રાજધાની પહેલેથી જ પહોંચી ચૂકયા છે.
વિપક્ષી નેતાઓની આ કૂચને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસ અને RAF (રેપિડ એક્શન ફોર્સ) ના ૩,૦૦૦ થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને સુરક્ષાને લઈને બોડી કેમેરાનો પણ વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. કનોટ પ્લેસ, અશોકા રોડ, પટેલ ચોક અને જંતર-મંતર આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે જેથી સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે.
દરમિયાન, આમ આદમી પાર્ટી અને ડીએમકે આ કૂચથી અંતર જાળવી રાખ્યું છે. AAP નેતા સંજય સિંહે સ્પષ્ટતા કરી છે કે આ ઇન્ડિયા ગઠબંધનનું પ્રદર્શન છે અને તેમની પાર્ટી આ લડાઈ પોતાની રીતે લડી રહી છે. બીજી તરફ, શિવસેના નેતા સંજય રાઉતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે આક્રમક રૂખ અપનાવતા તેમના રાજીનામાની માંગ કરી છે અને આટલા મોટા પ્રમાણમાં પોલીસ કાફલો તૈનાત કરવા સામે સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષના આ આક્રમક તેવરથી આગામી સમયમાં રાજકારણ વધુ ગરમાવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
