<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

ડૂબતા માલદીવ માટે ભારત ફરી બન્યું તારણહાર: આર્થિક કટોકટીમાં ઘેરાયેલા પાડોશી દેશને બચાવવા નવી દિલ્હીનો 'માસ્ટર પ્લાન'

એક સમયે 'ઈન્ડિયા આઉટ'ના નારા લગાવનાર માલે અત્યારે દેવાતળે દબાયું, વિદેશી હૂંડિયામણના ખાલી થતા ભંડાર વચ્ચે ભારતે કરન્સી સ્વેપ સુવિધા લંબાવવા લીધો હકારાત્મક નિર્ણય, પશ્ચિમ એશિયાના યુદ્ધ અને ઘટતા પ્રવાસીઓ વચ્ચે પડોશી ધર્મ નિભાવવા વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દુશ્મન હોતું નથી, તેનું ઉત્તમ ઉદાહરણ ભારત અને માલદીવના સંબંધોમાં જોવા મળી રહ્યું છે. જે માલદીવ એક સમયે ભારત વિરોધી નિવેદનો આપતું હતું, તે જ દેશ આજે આર્થિક વિનાશના આરે ઉભો છે અને મદદ માટે ભારત તરફ મીટ માંડી રહ્યો છે. માલદીવની અત્યંત નબળી આર્થિક સ્થિતિ અને ખાલી થતા વિદેશી મુદ્રા ભંડારને જોતા ભારત સરકાર હવે 'કરન્સી સ્વેપ' સુવિધાની સમયમર્યાદા લંબાવવા ગંભીરતાથી વિચાર કરી રહી છે. નિષ્ણાતોના મતે જો ભારત આ મદદ ન કરે, તો માલદીવ આ જ વર્ષે નાદાર જાહેર થઈ શકે છે, જેની સીધી અસર હિંદ મહાસાગરની સુરક્ષા પર પડી શકે છે.

માલદીવ હાલમાં દેવાના ડુંગર નીચે દબાયેલું છે. ફિચ અને મૂડીઝ જેવી વૈશ્વિક રેટિંગ એજન્સીઓએ માલદીવને 'હાઈ ક્રેડિટ રિસ્ક' કેટેગરીમાં મૂકીને તેની નબળી આર્થિક સ્થિતિની પોલ ખોલી દીધી છે. એપ્રિલ ૨૦૨૬માં જ માલદીવ સરકારે ૫૦૦ મિલિયન ડોલરના બોન્ડ અને કરોડોનું વ્યાજ ચૂકવવાની જાહેરાત કરી છે, જેના કારણે તેનું અનામત ભંડોળ સાવ તળિયે પહોંચી ગયું છે. બીજી તરફ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે અને ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. આ કપરા કાળમાં ભારતે અગાઉ આપેલી ૪૦૦ મિલિયન ડોલરની સ્વેપ સુવિધા અને ટ્રેઝરી બિલ્સમાં રાહત આપીને માલદીવના અસ્તિત્વને ટકાવી રાખ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ ૨૦૨૫ની મુલાકાત દરમિયાન માલે માટે ૫૬૫ મિલિયન ડોલરની ક્રેડિટ લાઈન અને વાર્ષિક દેવાની ચુકવણીમાં રાહત આપતા કરારો કર્યા હતા. ભારતની આ નીતિ સ્પષ્ટ કરે છે કે 'નેબરહુડ ફર્સ્ટ' અંતર્ગત ભારત પોતાના પાડોશીઓને મુશ્કેલીમાં છોડવા માંગતું નથી. ભલે માલદીવમાં સત્તા પર ગમે તે પક્ષ હોય, પરંતુ પ્રાદેશિક સ્થિરતા જાળવવા માટે ભારત તેના માટે મજબૂત ટેકા તરીકે ઉભું રહ્યું છે. ભારતની આ દરિયાદિલી બાદ હવે માલદીવના વલણમાં પણ નરમાશ જોવા મળી રહી છે, જે દક્ષિણ એશિયાના રાજકારણ માટે એક સકારાત્મક સંકેત છે.

(1:20 PM IST)