તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
ભારત પર 5 સાયક્લોનિક સિસ્ટમની ત્રાટકશે આફત: ઉત્તરથી દક્ષિણ સુધી તોફાની પવન સાથે વરસાદની આગાહી, જાણો કયા રાજ્યોમાં રેડ એલર્ટ
હવામાન વિભાગની મોટી ચેતવણી: અરબ સાગરમાં ચક્રવાતની સંભાવના વચ્ચે દિલ્હીથી કેરળ સુધી પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ તેજ, રાજસ્થાનમાં ફરી હીટવેવ

નવી દિલ્હી, તા.૦૭: ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશભરના હવામાનમાં ધરખમ ફેરફારની આગાહી કરતા હાઈ-એલર્ટ જાહેર કર્યું છે. હાલના તબક્કે ભારત પર એક-બે નહીં પણ પૂરી ૫ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમો અલગ-અલગ દિશાઓમાંથી ભેજ ખેંચી રહી હોવાથી આખા દેશમાં વાતાવરણ પલટાયું છે. દિલ્હી-NCR થી લઈને બિહાર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે પંજાબ અને હરિયાણામાં ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. ૧૦ મે બાદ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જે ઉત્તર ભારતમાં ફરી ઠંડક લાવશે.
બંગાળમાં વાવાઝોડું અને દક્ષિણમાં ધોધમાર વરસાદ
પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ૯ મે સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંગેય પશ્ચિમ બંગાળમાં ૬૦ કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. બીજી તરફ, દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં આગામી સાત દિવસ સુધી મેઘરાજા ધબધબાટી બોલાવશે તેવી આગાહી છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામશે.
અરબ સાગરમાં ચક્રવાતનો ખતરો
સૌથી ચિંતાજનક સમાચાર અરબ સાગર તરફથી મળી રહ્યા છે. સ્કાયમેટ હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, ૧૦ મેની આસપાસ દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં ચક્રવાત (Cyclone) બનવાની સંભાવના છે. જોકે આ ચક્રવાતની દિશા સોમાલિયા તરફ રહે તેવી શક્યતા છે, પરંતુ તેની અસરથી સમુદ્રમાં તેજ પવન ફૂંકાશે. માછીમારોને આ અંગે સતર્ક રહેવા અને દરિયો ન ખેડવા સૂચના અપાઈ શકે છે.
રાજસ્થાનમાં ગરમીનો પારો ઉંચકાશે
જ્યારે અડધા દેશમાં વરસાદ રાહત આપી રહ્યો છે, ત્યારે રાજસ્થાનના લોકોએ ફરી આકરી ગરમીનો સામનો કરવો પડશે. ૯ મેથી રાજસ્થાનમાં હીટવેવ (Heatwave) ની સ્થિતિ સર્જાશે અને તાપમાનમાં ૫ ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. પૂર્વી ભારતની વાત કરીએ તો ઝારખંડ અને ઓડિશામાં આગામી એક સપ્તાહ સુધી ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં ચાલુ રહેશે, જેનાથી લોકોને બફારામાં થોડી રાહત મળી શકે છે. માતા-પિતા અને પ્રવાસીઓને હવામાનની આગાહી જોઈને જ ઘરની બહાર નીકળવા માટે સલાહ આપવામાં આવી છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
