તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
ભારત-બાંગ્લાદેશ સરહદ પર આશરે ₹25 કરોડનું સોનું જપ્ત : મહિલા તસ્કરની ધરપકડ
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના બાનપુર સરહદી વિસ્તારમાં ગુપ્ત બાતમીના આધારે BSFની 32મી બટાલિયને હાથ ધરેલા ડ્રામેટિક ઓપરેશનમાં મહિલા તસ્કર રંગેહાથ ઝડપાઈ: મોટો આંતરરાષ્ટ્રીય દાવ નિષ્ફળ બનાવી કરોડોનું સોનું કબ્જે લેવાયું

નાદિયા :પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારમાં બીએસએફ (BSF) ના જવાનોએ દાણચોરી વિરોધી અભિયાન હેઠળ એક અત્યંત રોમાંચક અને સફળ કામગીરી પાર પાડી છે. ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલ નાદિયા જિલ્લાના બાનપુર ગામ નજીક ગુપ્ત માહિતીના આધારે BSFની 32મી બટાલિયનના જવાનોએ ઓપરેશન ગોઠવ્યું હતું. સરહદ પર લાલ છાપા વાળી નાઈટી અને લાલ ઓઢણી પહેરીને શંકાસ્પદ રીતે ફરી રહેલી એક મહિલા પર જવાનોએ લાંબા સમય સુધી સખત નજર રાખી હતી. તેની હિલચાલ પરથી ખાતરી થતાં જવાનોએ તેને કોર્ડન કરીને ઝડપી લીધી હતી. મહિલાની આકરી તલાશી લેતાં તેની પાસેથી 15 કિલો 607 ગ્રામ શુદ્ધ સોનું મળી આવતાં અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા, જેની વર્તમાન બજાર કિંમત ₹24 કરોડ 95 લાખ 56 હજાર (અંદાજે ₹25 કરોડ) આંકવામાં આવી છે.
આટલી વિપુલ માત્રામાં સોનાનો જથ્થો પકડાતા સરહદી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. BSF અધિકારીઓ હાલમાં ઝડપાયેલી મહિલા તસ્કરની ઊંડાણપૂર્વક કડક પૂછપરછ કરી રહ્યા છે. તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સોનાનો આ વિશાળ જથ્થો બાંગ્લાદેશથી કોણે સરહદ પાર કરાવ્યો હતો અને ભારતમાં આ સોનું કયા મોટા વેપારી કે નેટવર્ક સુધી પહોંચાડવાનું હતું. BSFનું માનવું છે કે આટલી મોટી જપ્તી પાછળ કોઈ સુઆયોજિત આંતરરાષ્ટ્રીય દાણચોરી ગિરોહ (Smuggling Racket) સક્રિય છે. પૂછપરછ અને પ્રાથમિક કાનૂની કાગળો પૂર્ણ થયા બાદ આરોપી મહિલાને આગળની કાર્યવાહી માટે સ્થાનિક કૃષ્ણગંજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત-બાંગ્લાદેશ સરહદ હાલમાં સોનાની ગેરકાયદેસર હેરાફેરી માટેનું મોટું કેન્દ્ર બની રહી છે. આ અગાઉ ઓગસ્ટના પ્રારંભમાં જ ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મહારાષ્ટ્રના નાગપુર રેલ્વે સ્ટેશન પર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ ટ્રેનમાંથી ₹3.9 કરોડનું વિદેશી સોનું ઝડપી પાડ્યું હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે તે સોનું પણ ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી જ દાણચોરી કરીને ટ્રેન મારફતે દેશના અન્ય ભાગોમાં મોકલવામાં આવી રહ્યું હતું. સતત બની રહેલી આ ઘટનાઓને પગલે BSF અને સેન્ટ્રલ એજન્સીઓએ સરહદી વિસ્તારોમાં કડક પેટ્રોલિંગ અને નાઇટ વિઝન દેખરેખ વધારી દીધી છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
