તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
ચૂંટણી પંચની કથિત અનિયમિતતાઓને લઈને સુપ્રીમ કોર્ટમાં ઇન્ડિયા ગઠબંધનની અરજી દાખલ : મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંત દ્વારા આજે જ પ્રક્રિયા પૂર્ણ કરી આવતીકાલે મંગળવારે સુનાવણી હાથ ધરવાની સંભાવના
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત ૧૧ અગ્રણી વિપક્ષી નેતાઓની સંયુક્ત અરજી પર સુપ્રીમ કોર્ટે લીધા ત્વરિત પગલાં : ચૂંટણી પંચ અને અધિકારીઓ જ્ઞાનેશ કુમાર, સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશીને બનાવાયા પ્રતિવાદી

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની કાનૂની ટીમ દ્વારા ભારતીય ચૂંટણી આયોગની કથિત અનિયમિતતાઓને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીને સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં નોંધી લેવામાં આવી છે અને તેનો ડાયરી નંબર ૬૪૧૯૬/૨૦૨૬ ફાળવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અરજી ૧૨ ઓક્ટોબર ૨૦૨६ ના રોજ સાંજે ૪:૩૭ વાગ્યે ફાઇલ કરવામાં આવી હતી.
મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે રજિસ્ટ્રીને કડક નિર્દેશ આપ્યો છે કે રાહુલ ગાંધીની આ અરજીની પ્રક્રિયા આજે જ પૂર્ણ કરવામાં આવે અને જો કોઈ ક્ષતિ કે કમી હોય, તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવે, જેથી આ અરજીને આવતીકાલે જ સુનાવણી માટે સૂચિબદ્ધ કરી શકાય. આવતીકાલે મંગળવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્ય કાંતની અધ્યક્ષતાવાળી બેંચ આ અરજી પર સુનાવણી હાથ ધરી શકે છે.
૧૧ વિપક્ષી નેતાઓની સંયુક્ત અરજી અને પ્રતિવાદીઓની વિગતો:
આ કાનૂની લડત માત્ર એકલા રાહુલ ગાંધીની નથી, પરંતુ તે વિપક્ષી 'ઇન્ડિયા' ગઠબંધનના ૧૧ મોટા નેતાઓની તરફથી સંયુક્તરૂપે દાખલ કરવામાં આવી છે. આ અરજીકર્તાઓમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખરગે, સૌગત રાય, અખિલેશ યાદવ, તેજસ્વી પ્રસાદ યાદવ, સંજય રાઉત, એમ.એ. બેબી, ડી. રાજા, મહુઆ માજી, સુપ્રિયા સુલે અને ઇ. ટી. મોહમ્મદ બશીર સામેલ છે. અરજીકર્તાઓ તરફથી વકીલ પ્રસન્ના એસ. આ કેસમાં દલીલ કરી રહ્યા છે.
આ અરજીમાં કુલ ચાર પક્ષોને પ્રતિવાદી (Respondent) બનાવવામાં આવ્યા છે, જેમાં પ્રથમ પ્રતિવાદી ભારતીય ચૂંટણી આયોગ (ECI) છે, જ્યારે અન્ય ત્રણ પ્રતિવાદીઓમાં ચૂંટણી આયોગના અધિકારીઓ જ્ઞાનેશ કુમાર, સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીનો સમાવેશ થાય છે. આ અરજીમાં ચૂંટણી આયોગની કાર્યપ્રણાલી પારદર્શિતા અને નિષ્પક્ષતા ને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જોકે અરજીની સંપૂર્ણ નકલ હજુ સુધી સાર્વજનિક કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેમાં તાજેતરની ચૂંટણીઓમાં થયેલી કથિત અનિયમિતતાઓ, મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી અગાઉ પણ ચૂંટણી આયોગ પર કથિત મત ચોરી અને પક્ષપાત કરવાના ગંભીર આક્ષેપો કરતા રહ્યા છે, અને હવે આ કાનૂની જંગના માધ્યમે વિપક્ષે સીધા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે, જેના કારણે આ સમગ્ર માક્રણ પર દેશભરની નજર ટકેલી છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
