<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

'લંડન કરતાં ભારત ૧૦૦૦ ગણું વધુ સુરક્ષિત': પ્રથમ રાત્રે જ લંડનમાં ચોરો સામે ભીડાઈ ગયા બેંગલુરુના CEO, ચાલુ કેબમાંથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી પોતાનો સામાન બચાવ્યો

‘ટાયર પંચર છે’ કહીને લંડનના યુસ્ટનમાં બેંગલુરુના સ્ટાર્ટઅપ સીઇઓને છેતરવાનો પ્રયાસ: કૌશિક મુડ્ડાએ ચોરને ધક્કો મારી નીચે પાડી દીધો, સોશિયલ મીડિયા પર આક્રોશ વચ્ચે લોકોએ પોતાના કડવા અનુભવો કર્યા શેર.

બેંગલુરુ, તા.૨૮: યુરોપના વિકસિત અને સુરક્ષિત ગણાતા શહેરોમાં ક્રાઇમ રેટ કેટલો ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે, તેનો પુરાવો આપતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બેંગલુરુ સ્થિત જાણીતા ડીપ-ટેક સ્ટાર્ટઅપ 'ઈથેરિયલ મશીન્સ' (Ethereal Machines) ના સહ-સ્થાપક અને સીઈઓ (CEO) કૌશિક મુડ્ડાએ લંડનની પોતાની પ્રથમ જ રાત્રે સામાન ચોરી થવાની ઘટનાનો સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. તેમણે યુકેની રાજધાનીમાં ચોરો સામે બહાદુરીપૂર્વક સામનો કરીને પોતાનો સામાન ચોરાતો બચાવ્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવતા લખ્યું હતું કે, "સુરક્ષાના મામલે ભારત લંડન કરતાં ૧૦૦૦ ગણું વધુ સુરક્ષિત છે."

મુડ્ડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આપવીતી વર્ણવતાં જણાવ્યું હતું કે, આ ઘટના લંડનના વ્યસ્ત 'યુસ્ટન' (Euston) વિસ્તારમાં બની હતી. તેઓ ત્યાં પહોંચ્યા અને પોતાની કેબમાં બેસવા માટે બેગ ડિક્કીમાં મૂકી જ રહ્યા હતા, ત્યારે એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને દાવો કર્યો હતો કે કેબનું ટાયર પંચર થઈ ગયું છે. મુડ્ડા જેવા આ બાબત તપાસવા માટે બહાર નીકળ્યા, કે તરત જ તેમણે જોયું કે અન્ય એક શખ્સ કેબની ડિક્કી ખોલીને તેમની બેગ સરકાવી રહ્યો હતો.

સ્થિતિ પામી ગયેલા કૌશિક મુડ્ડાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ચોરનો સામનો કર્યો હતો. તેમણે સાહસ બતાવીને ચોરને જોરથી ધક્કો મારી નીચે પાડી દીધો હતો અને પોતાની બેગ આંચકી લીધી હતી. પકડાઈ જવાની બીકે બંને શાતિર ચોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોની તીવ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. અનેક યુઝર્સે લંડન અને યુરોપના અન્ય દેશોમાં પોતાની સાથે થયેલી આવી જ ચોરીની ઘટનાઓ અને કડવા અનુભવો શેર કરીને ભારતમાં ઉપલબ્ધ રાત્રિ સુરક્ષાના વખાણ કર્યા હતા.

(4:58 PM IST)