News of Saturday, 25th April 2026
લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓમાં ફરજ બજાવનારના મહેનતાણાંના દરમાં વધારો
સેક્ટર ઓફિસરને ૧૦ હજારથી લઇને વર્ગ-૪ના કર્મીઓને લાભ - ભોજન માટે ફરજ પર તૈનાત કર્મીને ૫૦૦ રૂપિયા મળશે

અમદાવાદ,તા.૨૫: રાજ્યમાં લોકસભા-વિધાનસભાની સામાન્ય અને પેટા ચૂંટણીની વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓના માનદ વેતન અને મહેનતાણાંમાં રાજ્ય સરકારે વધારો જાહેર કર્યો છે. જેનો લાભ સેક્ટર ઓફિસરથી લઇને અન્ય કર્મીઓને પણ આગામી ચૂંટણીથી મળતો થશે.
વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સુચારૂ રીતે ચૂંટણીઓ પાર પડે તે માટે સરકારી અધિકારી, શિક્ષકોથી લઇને પોલીસ કર્મચારીઓ સહિત તમામ મળીને સુધી એક લાખથી પણ વધુ સંખ્યામાં સ્ટાફની જરૂર પડતી હોય છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વિવિધ પ્રકારની કામગીરી માટેના કર્મીઓ માટે વધારો જાહેર કર્યો છે. તે સાથે ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા કર્મીઓ માટે જમવા અને અલ્પાહારના રોજના ૫૦૦ રૂપિયા પણ મંજૂર કર્યા છે. માનદ વેતનમાં સેકટર ઓફિસર કે સહાયક ખર્ચ નિરીક્ષક માટે પૂર્ણ સમયની ચૂંટણી ફરજ બજાવી હોય તો ૧૦ હજાર રૂપિયા, ઝોનલ મેજીસ્ટ્રેટ હોય તો ૧૫૦૦, પ્રિસાઇડીંગ અધિકારી અને મતગણતરી સુપરવાઇઝરના પ્રતિ દિન ૫૦૦ અથવા ઉચ્ચક ૨ હજાર, પોલિગ ઓફિસરના પ્રતિદિન ૪૦૦ અથવા ઉચ્ચક ૧૬૦૦, મતગણતરી મદદનીશના પ્રતિદિન ૪૫૦ કે ૧૩૫૦ ઉચ્ચક રૂપિયા નક્કી કરાયા છે.
તે ઉપરાંત ઇવીએમ કાર્યરત કરવા મતદાન ટુકડી અને મતદાન સામગ્રી માટે રોકવામાં આવેલા વર્ગ-૪ના કર્મચારીઓ માટે રોજના ૩૫૦ અથવા ઉચ્ચક ૧૪૦૦ રૂપિયા નિયત કરાયા છે. કોલ સેન્ટર કે કંટ્રોલ રૂમ માટે રોકાયેલા વર્ગ-૪ના કર્મચારીઓ માટે ૧ હજાર રૂપિયા, ઇન્કમટેક્સ ઓબ્ઝર્વર માટે ૧૨૦૦ ઉચ્ચક અને માઇક્રો ઓબ્ઝર્વર માટે ૨ હજાર રૂપિયા નક્કી કરાયા છે. તાલુકા-જિલ્લાની વિવિધ ટીમ માટે મહેનતાણાંના લાયઝન અધિકારી માટે રોજના ૩૫૦ મહત્તમ ૨૫ દિવસ માટે, હિસાબી અધિકારીના રોજના ૩૫૦ મહત્તમ ૮ દિવસ માટે, મદદનીશ લાયઝન અધિકારી માટે ૨૫૦ રૂપિયા મહત્તમ ૨૫ દિવસ માટે અને પટ્ટાવાળા ડ્રાઇવર માટે રોજના ૨૦૦ રૂપિયા મહત્તમ ૨૫ દિવસ માટે નક્કી કરવામાં આવ્યા છે. તે ઉપરાંત પોલીસકર્મીઓ, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, એનસીસી કેડેટ્સ, અને સ્વંયસેવકો વિગેરે માટે પેક્ડ લંચ અને નાસ્તા માટે રોજના ૫૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
