તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
હિમાલયની યાત્રામાં મનાલી પાસે કાર ખાઈમાં ખાબકતા ભાવનગરના સિંધી પરિવાર સહિત ૬ વ્યક્તિઓના મોત : પૂ. મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી
પૂ. મોરારીબાપુ દ્વારા પ્રત્યેક મૃતકના વારસદારને ૧૫ હજાર લેખે કુલ ૯૦ હજારની સંવેદના સહાય જાહેર : કિંકરી બેલા વિસ્તારમાં સર્જાયેલી દુર્ઘટનામાં પાંચ સદસ્યો અને ચાલકે જીવ ગુમાવ્યો

ઈશ્વરિયા : ભાવનગરથી હિમાલયની યાત્રાએ ગયેલા એક સિંધી પરિવારને મનાલી માર્ગ પર કિંકરી બેલા વિસ્તારમાં ભયાનક અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત કુલ છ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે પૂ. મોરારીબાપુએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
અકસ્માતની કરુણ વિગત:
આ અઠવાડિયા દરમિયાન ભાવનગરનો સિંધી પરિવાર હિમાલયની સફરે હતો, ત્યારે મનાલી તરફના માર્ગમાં કિંકરી બેલા વિસ્તારમાં તેમની ગાડી અચાનક ગબડી પડતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ભાવનગરના લલિતભાઈ ફતનાણી, સોનિયાબેન ફતનાણી, પ્રિયાંક ભોપાણી, કાજલ ભોપાણી તથા ધ્યાંશ ભોપાણીનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. આ ઉપરાંત, ગાડીના ચાલકે પણ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો, આમ કુલ ૬ યાત્રિકો કાળનો કોળિયો બન્યા છે.
પૂ. મોરારીબાપુ દ્વારા સંવેદના સહાયની જાહેરાત:
દુર્ઘટનાની જાણ થતા જ પૂ. મોરારીબાપુએ તમામ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા આ અકસ્માતનો ભોગ બનેલા પ્રત્યેક મૃતકના વારસદારને ૧૫ હજાર રૂપિયા લેખે કુલ ૯૦ હજાર રૂપિયાની સંવેદના સહાય અર્પણ કરવામાં આવી છે.
ભાવનગરના મૃતક યાત્રિકોના પરિવારજનોને પ્રાર્થના સભા દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા રૂબરૂમાં સહાય પહોંચાડવામાં આવી હતી. જ્યારે મરણ પામનાર ગાડીના ચાલકના પરિવારને હિમાચલ પ્રદેશ મુખ્યમંત્રી રાહત ભંડોળ અંતર્ગત આ સહાયની રકમ અર્પણ કરવામાં આવી છે. શુક્રવાર તા. ૧૫-૫-૨૦૨૭ના રોજ આ સહાયની વિગતો જાહેર કરતા પૂ. મોરારીબાપુ અને તલગાજરડા ચિત્રકુટધામ પરિવાર દ્વારા મૃતક પરિવારો પ્રત્યે આશ્વાસન અને સંવેદના પ્રગટ કરવામાં આવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
