તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 6th July 2026
યુટ્યુબ પર દરેક વીડિયોનું ચોકીદારી કરવી અશક્ય: દિલ્હી હાઈકોર્ટમાં ગુગલે હથિયાર હેઠા મૂક્યા
કોર્ટની કાર્યવાહીના વાયરલ વીડિયો રોકવાના મુદ્દે ગુગલે સોગંદનામું રજૂ કરી લાચારી વ્યક્ત કરી : અગાઉથી ફિલ્ટર કરવું કાયદાકીય અને તકનીકી રીતે અશક્ય હોવાની આપી દલીલ

નવી દિલ્હી: ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ કંટ્રોલ કરવાનો મુદ્દો ફરી એકવાર કાનૂની વિવાદના વંટોળે ચડ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન વૈશ્વિક દિગ્ગજ કંપની ગુગલે સ્પષ્ટ શબ્દોમાં હથિયાર હેઠા મૂકી દીધા છે. ગુગલે કોર્ટને જણાવ્યું છે કે યુટ્યુબ પર અપલોડ થતા દરેક સિંગલ વીડિયોનું અગાઉથી નિરીક્ષણ (પ્રી-સ્ક્રીનિંગ) કરવું કાયદાકીય અને તકનીકી બંને રીતે તદ્દન અશક્ય છે. કોઈ વપરાશકર્તાએ કોર્ટની પરવાનગી વિના લાઈવ કાર્યવાહીનું રેકોર્ડિંગ કરીને તેને પ્લેટફોર્મ પર મૂક્યું છે કે કેમ, તે આપમેળે નક્કી કરવાની કોઈ સિસ્ટમ તેમની પાસે નથી.
આ વિવાદની વિગત એવી છે કે વકીલ વૈભવ સિંહ દ્વારા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એક્સાઇઝ પોલિસી કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની કોર્ટના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા. અરજીકર્તાએ માંગ કરી હતી કે કોર્ટની મંજૂરી વિના રેકોર્ડ કરાયેલા આવા અનધિકૃત વીડિયોને ફરીથી અપલોડ થતા અટકાવવા માટે સોશિયલ મીડિયા કંપનીઓને કડક આદેશ આપવામાં આવે. તેના જવાબમાં ગુગલે પોતાના સોગંદનામામાં સ્પષ્ટ કર્યું કે વીડિયો યુટ્યુબના પ્લેટફોર્મ પર નહીં પરંતુ બહારના સોર્સ દ્વારા રેકોર્ડ થાય છે, તેથી તેની સત્યતા તપાસવી કંપનીના દાયરામાં નથી આવતી.
ગુગલે ભારતીય કાયદાનો હવાલો આપતા કોર્ટને જણાવ્યું કે દેશમાં દર કલાકે લાખો વીડિયો અપલોડ થાય છે અને અલગ-અલગ અદાલતોના નિયમો પણ જુદા-જુદા હોય છે. ભારતીય આઈટી એક્ટ મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પોતાની જાતે કોઈ કન્ટેન્ટ સાચું છે કે ખોટું તે નક્કી કરી શકતા નથી. કાયદાકીય રીતે ગુગલ કે યુટ્યુબની જવાબદારી માત્ર એટલી જ છે કે જ્યારે કોઈ સક્ષમ અદાલત ચોક્કસ URL (લિંક) સાથે કોઈ વીડિયોને ગેરકાયદેસર જાહેર કરે, ત્યારે તેને તાત્કાલિક પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવે. આ દલીલ સાથે ગુગલે અગાઉથી જ તમામ વીડિયો બ્લોક કરવાની કાનૂની માર્ગદર્શિકા જાહેર કરવાનો વિરોધ કર્યો છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
