તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
ગૌહાટી હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો : સપોર્ટિંગ પુરાવા વગર માત્ર પાન કાર્ડ કે મતદાર આઇડી ભારતીય નાગરિકતાનો પુરાવો નથી
વિદેશી ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારતી અરજી ફગાવી : ઔપચારિક તપાસ વગર સ્વ-જાહેરાતના આધારે મળતા દસ્તાવેજો માટે મૂળ રેકોર્ડની સાબિતી અનિવાર્ય

ગૌહાટી: ઔપચારિક તપાસ વિના અને માત્ર સ્વ-જાહેરાતના આધારે ઇશ્યૂ કરવામાં આવતા પાન કાર્ડ તેમજ મતદાર ઓળખપત્ર (એપિક) પોતાનામાં ભારતીય નાગરિકતાનો સ્વયંસ્પષ્ટ પુરાવો બની શકતા નથી તેવી મહત્વપૂર્ણ સ્પષ્ટતા ગૌહાટી હાઇકોર્ટે કરી છે. જસ્ટિસ કલ્યાણ રાય સુરાણા અને જસ્ટિસ સુસ્મિતા ફુકન ખૌંડની ડિવિઝન બેંચે વિદેશી ટ્રિબ્યુનલના એક નિર્ણયને પડકારતી મહિલાની રિટ અરજી ફગાવી દેતાં આ ચુકાદો આપ્યો છે.
પિતા અને દાદા-દાદી સાથેના સંબંધો સાબિત કરવામાં નિષ્ફળતા:
અરજદાર મહિલાએ ૧૯૬૬ અને ૧૯૭૦ ની મતદાર યાદીઓ, પિતાનું પાન કાર્ડ, મતદાર આઇડી, રેશન કાર્ડ અને એનઆરસી અરજીની પહોંચ રજૂ કરીને પોતાની નાગરિકતા સાબિત કરવા દાવો કર્યો હતો. તેના પિતા લોકસભા તથા વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા હતા અને ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા કાઉન્સિલર રહી ચૂક્યા હતા. જોકે, હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે અરજદાર પોતાના દાવો કરાયેલા પિતા અને દાદા-દાદી સાથેના વંશાવળીના સંબંધો અને નાગરિકતા કાયદાની કલમ ૬A(૨) મુજબ આસામમાં તેમના સતત નિવાસને વિશ્વસનીય પુરાવાઓ દ્વારા સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. પિતા ચૂંટણી લડ્યા હોય તો પણ તેનાથી અરજદાર તેમની પુત્રી હોવાનું આપોઆપ સિદ્ધ થતું નથી.
આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચના દસ્તાવેજો અંગે કોર્ટનું વલણ:
હાઇકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાન કાર્ડ અને વોટર આઇડી આવકવેરા વિભાગ અને ભારતીય ચૂંટણી પંચ દ્વારા કોઈપણ ઊંડાણપૂર્વકની તપાસ વગર અરજીના આધારે આપવામાં આવે છે. તેથી, આ દસ્તાવેજોના સમર્થનમાં મૂળ પાયાના સરકારી રેકોર્ડ્સ રજૂ કરીને સાબિત કરવામાં ન આવે ત્યાં સુધી તેને ભારતની નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં.
ખોટી કાનૂની સલાહનો દાવો ફગાવી વચગાળાના જામીન રદ કરાયા:
અરજદારે ભૂતપૂર્વ વકીલની ખોટી સલાહના કારણે પુરાવા રજૂ ન થઈ શક્યા હોવાની રજૂઆત કરી કેસ પરત મોકલવા વિનંતી કરી હતી, જેને કોર્ટે પાછળથી ઊભો કરાયેલો વિચાર ગણાવીને ફગાવી દીધી હતી. હાઇકોર્ટે ટ્રિબ્યુનલના નિર્ણયને યોગ્ય ઠેરવી અરજી ફગાવી દીધી છે અને મહિલાને ૨૦૨૨માં આપવામાં આવેલા વચગાળાના જામીન પણ તાત્કાલિક અસરથી રદ કર્યા છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
