<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: 'તમે તમારો પોતાનો સમય બગાડો છો' - DU ની તમામ કોલેજોમાં હોસ્ટેલ આપવાની પીઆઈએલ (PIL) પર ત્વરિત સુનાવણીનો સ્પષ્ટ ઇનકાર!

સત્ય નિકેતનમાં PG બિલ્ડિંગ ધરાશાયી થતાં ૭ ના મોત બાદ NSUI પ્રમુખે કરી હતી અરજી; મુખ્ય ન્યાયાધીશની બેન્ચે કહ્યું- "શું આવી બાબતે વચગાળાનો આદેશ આપી શકાય?"

નવી દિલ્હી, તા. ૦૮: દિલ્હીના સત્ય નિકેતનમાં એક પેઇંગ ગેસ્ટ (PG) બિલ્ડિંગ ધરાશાયી થવાની કરૂણ ઘટનામાં સાત લોકોના મોત નીપજ્યા બાદ વિદ્યાર્થીઓની સુરક્ષા અને રહેઠાણને લઈને ભારે હોબાળો મચી ગયો છે. આ દુર્ઘટનાના પગલે દિલ્હી યુનિવર્સિટી (DU) સાથે જોડાયેલી તમામ કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ફરજિયાત હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપવાની માંગ સાથે દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. જોકે, મંગળવારે હાઈકોર્ટે આ મામલે કોઈ પણ પ્રકારની તાત્કાલિક સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

 

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) ના રાષ્ટ્રીય પ્રમુખ વિનોદ જાખડ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીને તાત્કાલિક લિસ્ટિંગ માટે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની ડિવિઝન બેન્ચ સમક્ષ એડવોકેટ વિમલ ત્યાગીએ ત્વરિત સુનાવણીની માંગ કરી હતી. તેના પર તીખી ટિપ્પણી કરતા ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાયે ઉમેર્યું હતું કે, "શું આ પ્રકારનો નિર્દેશ કોઈ વચગાળાના આદેશ દ્વારા જારી કરી શકાય? તમે બિનજરૂરી રીતે તમારો સમય બગાડી રહ્યા છો." કોર્ટે આ મામલાની સામાન્ય સુનાવણી બુધવારે યોજવાનું નક્કી કર્યું છે.

 

અગાઉ સોમવારે એક અન્ય અરજીની સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે પીજી અને હોસ્ટેલની ભારે અછત અંગે દિલ્હી યુનિવર્સિટી અને નાગરિક સત્તાવાળાઓ (MCD) ની આકરી ઝાડા કરી હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, હોસ્ટેલની અછતને કારણે યુવાનો અસુરક્ષિત ઇમારતોમાં રહેવા મજબૂર બને છે. હાઈકોર્ટે એમસીડીને દિલ્હીના તમામ પીજી અને ખાનગી હોસ્ટેલોનું સઘન નિરીક્ષણ કરીને બિલ્ડિંગ નિયમોના પાલન અંગે એક સપ્તાહમાં વિગતવાર અહેવાલ રજૂ કરવાનો કડક આદેશ આપ્યો છે.

 

(4:46 PM IST)