તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
ન્યુઝીલેન્ડ જવા માંગતા ભારતીય પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ રાહત: તમામ વિઝિટર વિઝા અરજીઓ હવે ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર ખસેડાઈ
ઇમિગ્રેશન તંત્ર દ્વારા પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે નવી ઓનલાઈન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી, મુસાફરોને આગામી તહેવારોની સિઝન અગાઉ વહેલી અરજી કરવા અપાઈ સલાહ

ઓકલેન્ડ : ન્યુઝીલેન્ડ સરકાર દ્વારા પ્રવાસીઓ, વ્યવસાયિક યાત્રિકો અને પરિવારોની સુવિધા માટે ઇમિગ્રેશન પ્રક્રિયામાં મોટો બદલાવ કરતા મોટાભાગની વિઝિટર વિઝા અરજીઓને સંપૂર્ણપણે ઉન્નત ઓનલાઈન પ્લેટફોર્મ પર તબદીલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૨૪ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર હાથ ધરવામાં આવેલા આ સંક્રમણ હેઠળ હવે ન્યુઝીલેન્ડમાં રજાઓ કે વ્યવસાયિક અર્થે જવા ઈચ્છતા ભારતીય નાગરિકોએ જૂની પદ્ધતિને બદલે અપડેટેડ ડિજિટલ સિસ્ટમનો જ ઉપયોગ કરવો અનિવાર્ય બન્યું છે.
ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) ના આ વ્યાપક ડિજિટલ આધુનિકીકરણ કાર્યક્રમનો મુખ્ય હેડો વિઝા અરજીઓની પ્રક્રિયાને વધુ પારદર્શક, સરળ અને કાર્યક્ષમ બનાવવાનો છે, જેનાથી અરજદારો ઘરે બેઠા જ ઓનલાઈન ડેશબોર્ડ દ્વારા પોતાની અરજીની સ્થિતિ ટ્રેક કરી શકશે.
આ નવા ફેરફારની અસરમાં જનરલ વિઝિટર, બિઝનેસ, એકેડેમિક તેમજ પેરેન્ટ અને ગ્રાન્ડપેરેન્ટ જેવી મહત્વપૂર્ણ વિઝા શ્રેણીઓ સામેલ છે, જ્યારે અગાઉ સબમિટ થયેલી અરજીઓ જૂની સિસ્ટમ દ્વારા જ પ્રક્રિયાધીન રહેશે પરંતુ જૂના અપલોડ ન કરાયેલા ડ્રાફ્ટ્સ રદ કરવામાં આવ્યા છે.
વિઝા શુલ્ક અને સમય મર્યાદા અંગે વાત કરીએ તો, સામાન્ય વિઝિટર વિઝાની શરૂઆત ૪૪૧ એનઝેડડીથી થાય છે અને સરેરાશ ૫ થી ૧૦ કાર્યકારી દિવસોમાં પ્રક્રિયા પૂર્ણ થતી હોવા છતાં તંત્ર દ્વારા અગાઉથી જ દસ્તાવેજો પૂર્ણ કરીને અરજી કરવા તાકીદ કરાઈ છે.
આગામી ક્રિસમસ અને નવા વર્ષની વ્યસ્ત મુસાફરીની મોસમને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ વિઝા મંજૂર થયા વિના કોઈ કન્ફર્મ અને નોન-રિફંડબલ બુકિંગ ન કરાવે જેથી કોઈપણ પ્રકારના આર્થિક નુકસાનથી બચી શકાય.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
