તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 25th May 2026
મહત્વના સમાચારો ઉડતી નજરે....

આઇપીએલ મેચમાં વિરાટ કોહલી સાથેની માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની આઇપીએલ ૨૦૨૬ ની મેચમાં વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીની પત્ની જેસિકાએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર તેમના પરિવાર અને મિત્રોને સતત ગાળો આપવામાં આવી રહી છે. તેણે અપીલ કરી કે રમતને રમત જ રહેવા દો અને પરિવારને નિશાન ન બનાવો.
હવે મળીએ કે ન મળીએ, મારી ચિંતા છોડો, તબિયત લથડતાં વૃંદાવનના પ્રેમાનંદ મહારાજની પોતાના ભક્તોને ભાવુક અપીલ
ખરાબ સ્વાસ્થ્યના કારણે વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજે વીડિયો સંદેશ જારી કરીને ભક્તોને નિશ્ચિંત રહેવા જણાવ્યું છે. સત્તરમી મેથી તેમની રાત્રિ પદયાત્રા અને એકાંતિક દર્શન બંધ છે. મહારાજે કહ્યું કે આપણે મળીએ કે ન મળીએ, નિરંતર ભગવાનનું ભજન કરતા રહેજો. તેમના આ ભાવુક સંદેશ બાદ ભક્તો સોશિયલ મીડિયા પર તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.
ચૂંટણીમાં ગૌસેવાના નારા વચ્ચે રાજસ્થાનના જેસલમેરમાં હૃદય હચમચાવતી ઘટના, ડમ્પિંગ યાર્ડમાં ૫૦૦ થી વધુ ગાયોના મૃતદેહ મળ્યા
રાજસ્થાનના જેસલમેરમાં નગર પરિષદના ડમ્પિંગ યાર્ડમાં પાંચસો કરતાં વધુ ગાયોના સડી ગયેલા મૃતદેહ ખુલ્લામાં પડેલા જોવા મળતા ભારે આક્રોશ ફેલાયો છે. ગૌરક્ષકોએ વીડિયો વાઇરલ કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. જિલ્લા કલેકટરની સૂચનાથી તાત્કાલિક જેસીબી મશીનો બોલાવીને મોટા ખાડા કરી ગાયોને દફનાવવામાં આવી છે અને બેદરકાર કોન્ટ્રાક્ટરનો કરાર પણ તાત્કાલિક અસરથી રદ કરીને તેને નોટિસ ફટકારવામાં આવી છે.
છોટા ઉદેપુરમાં નેતાઓ ભાન ભૂલ્યા, સાંસદ જશુ રાઠવા બાદ હવે તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખનો બંદૂક લહેરાવતો વીડિયો
આદિવાસી બહુલ વિસ્તાર છોટા ઉદેપુરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતો બનાવ સામે આવ્યો છે. અગાઉ સાંસદ જશુ રાઠવાનો વિવાદ સામે આવ્યો હતો, ત્યારે હવે તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રમેશ રાઠવા પદ સંભાળતા જ બંને હાથમાં બંદૂકો લઈને હવામાં ફાયરિંગ કરતા જોવા મળ્યા છે. નેતાજીનો ખુશીમાં ભાન ભૂલીને હથિયારો પ્રદર્શિત કરતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.
આઇપીએલના ઈતિહાસમાં સુનિલ નરેનના નામે ગજબનો રેકોર્ડ, કોલકાતાના ખેલાડી સામે દિગ્ગજ અને વિસ્ફોટક બેટરો પણ ફેલ
કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર ઓલરાઉન્ડર સુનિલ નરેને આઇપીએલના ઇતિહાસમાં બસો મેચ રમનાર પ્રથમ વિદેશી ખેલાડી બનીને નવો ઈતિહાસ રચ્યો છે. નરેને ૨૦૦ થી વધુ વિકેટ લેવાની સાથે ૧૮૦૦ થી વધુ રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું છે. વર્તમાન સીઝનમાં રનની રમઝટ વચ્ચે પણ નરેનનો ઇકોનોમી રેટ સાત કરતા ઓછો રહ્યો છે, જેની સામે મોટા અને વિસ્ફોટક બેટ્સમેનો પણ સંઘર્ષ કરતા જોવા મળે છે.
ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતા સરકાર પર એક લાખ કરોડનો બોજ, પરંતુ ભારતનું અર્થતંત્ર એકદમ મજબૂત હોવાનો નિર્મલા સીતારમણનો દાવો
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં કરાયેલા ઘટાડાથી સરકારને એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા સામે સામાન્ય નાગરિકોને રક્ષણ આપવા આ પગલું જરૂરી હતું. તેમણે નકારાત્મક વાતો ફેલાવનારાઓની ટીકા કરતા ભારપૂર્વક કહ્યું કે વર્તમાન સમયમાં ભારતનું અર્થતંત્ર ખૂબ જ મજબૂત છે.
દરેક દેશમાં બેવકૂફો હોય છે, ભારત આવેલા અમેરિકાના વિદેશ મંત્રીના એક નિવેદનથી રાજકીય ગરમાવો અને ભારે હોબાળો
ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના નવા વિદેશ મંત્રી માર્કો રુબિયોના એક નિવેદને મોટો વિવાદ સર્જ્યો છે. નવી દિલ્હીમાં પત્રકારો દ્વારા અમેરિકામાં ભારતીયો પર થતી નસ્લવાદી ટિપ્પણી અંગે પૂછાતા તેમણે કહ્યું કે દરેક દેશમાં કેટલાક બેવકૂફ લોકો હોય જ છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ રુબિયોને ટ્રોલ કરવાનું શરૂ કર્યું અને ડોનાલ્ડ ટ્રમ્પ પર આડકતરો પ્રહાર ગણાવીને મજાક ઉડાવી.
દુઃખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી, નીટ પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે એનટીએનો ઉધડો લીધો
નીટ પરીક્ષામાં થયેલા પેપર લીક અને ગેરરીતિ મામલે સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે. સુનાવણી દરમિયાન કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તમે ભૂતકાળની ભૂલોમાંથી કોઈ જ બોધપાઠ લીધો નથી, જે ખૂબ નિરાશાજનક છે. સર્વોચ્ચ અદાલતે સરકારને માત્ર ત્રણ દિવસની મહેતલ આપીને નિષ્ણાત સમિતિએ કરેલી કામગીરી અને સુધારાનો વિસ્તૃત રિપોર્ટ તાત્કાલિક રજૂ કરવા આદેશ કર્યો છે.
સેન્ટિમેન્ટલ ન બનો, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણી કરવા બાબતે સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ ઇનકાર
સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી નામની સંસ્થા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે બંધારણીય પ્રક્રિયાઓના વ્યાપારીકરણનો આરોપ લગાવીને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. પરંતુ ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ મામલે ભાવુક ન થવાની સલાહ આપીને તાત્કાલિક સુનાવણીનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને ભવિષ્યમાં યોગ્ય સમયે સુનાવણી થશે તેમ જણાવ્યું છે.
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ ક્રેશ થતા માંડ માંડ બચી, ઓમાનના મસ્કટ એરપોર્ટ પર સર્જાઈ અફરાતફરી
ઓમાનના મસ્કટ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ મોટી દુર્ઘટનાનો શિકાર બનતા સહેજમાં બચી ગઈ હતી. પાયલોટની ભૂલના કારણે વિમાન રનવેને બદલે એડ્જ લાઈટ્સ તરફ દોડી ગયું હતું. ઉડાન ભરતી વખતે મોટો અવાજ આવતા તાત્કાલિક બ્રેક મારવામાં આવી હતી, જેથી મોટો અકસ્માત ટળ્યો હતો. પ્લેનના પૈડાં ફાટી ગયા હતા અને હાઈડ્રોલિક પાઈપમાં પણ ખામી સર્જાતા મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
સેંકડો પ્રવાસીઓ હવામાં જ ફસાયા, કાશ્મીરના ગુલમર્ગમાં રોપવેમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતાં ભારે અફરાતફરી, બચાવ કાર્ય શરૂ
જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત હિલ સ્ટેશન ગુલમર્ગમાં એશિયાના સૌથી ઊંચા ગોંડોલા રોપવેમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા મોટો અકસ્માત સર્જાયો છે. કેબલ કાર હવામાં જ અધવચ્ચે અટકી જતાં સેંકડો પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. ખીણ વિસ્તારમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે સ્થાનિક પોલીસ, સેના અને અન્ય બચાવ એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામને સહીસલામત બચાવવાના પ્રયાસો શરૂ કરાયા છે.
રણવીર સિંહ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રતિબંધ, ડોન ત્રણ વિવાદમાં ફરહાન અખ્તરની ફરિયાદ બાદ એફડબલ્યુઆઇસીઇની મોટી જાહેરાત
ડોન ત્રણ ફિલ્મને લઈને બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ અને ડિરેક્ટર ફરહાન અખ્તર વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. રણવીર ફિલ્મમાં વધુ હિંસા અને ગાળો ઉમેરવા માંગતો હતો જેનો ફરહાને વિરોધ કર્યો હતો. આ મામલે ફરહાન અખ્તરે ફિલ્મ કામદારોના સંગઠન એફડબલ્યુઆઇસીઇ સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવ્યા બાદ સંસ્થાએ રણવીર સિંહ પર ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવા પર કામચલાઉ પ્રતિબંધ મૂકવાની ચોંકાવનારી જાહેરાત કરી છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
