તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 4th June 2026
કેન્દ્રીય કેબિનેટનો મહત્વનો નિર્ણય: સરકારી જામીનગીરીઓમાં એફપીઆઈ રોકાણ પરનો ૧૨.૫ ટકા કેપિટલ ગેઈન ટેક્સ નાબૂદ કરતો વટહુકમ મંજૂર, શેરબજાર માટે ટેક્સ યથાવત
રૂપિયાના મૂલ્યને ટેકો આપવા અને વિદેશી ભંડોળ આકર્ષવા સરકારનું મોટું પગલું: સપ્તાહે સત્તાવાર જાહેરનામું બહાર પડાશે: રૂપિયાને મજબૂતી મળશે અને બોન્ડ માર્કેટમાં આકર્ષણ વધશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આજે ૪ જૂન ૨૦૨૬ના રોજ સરકારી બોન્ડ્સમાં વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઈ) માટે કેપિટલ ગેઈન ટેક્સ ૧૨.૫ ટકાથી ઘટાડીને ૦ ટકા કર્યો છે. જોકે, શેરબજારમાં રોકાણ પર એલટીસીજી ટેક્સ ચાલુ રહેશે. આ નિર્ણયથી રૂપિયાને મજબૂતી મળશે અને બોન્ડ માર્કેટમાં આકર્ષણ વધશે.
આજ રોજ કેન્દ્રીય કેબિનેટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેબિનેટે સરકારી જામીનગીરીઓ (જી-સેક) માં વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઈ) ના રોકાણ પરનો કેપિટલ ગેઈન ટેક્સ શૂન્ય (૦) ટકા કરવાના વટહુકમને મંજૂરી આપી છે. ઈન્કમ ટેક્સ એક્ટમાં સુધારો કરીને આ વટહુકમ લાગુ કરવામાં આવશે અને ચાલુ સપ્તાહમાં જ તેનું સત્તાવાર જાહેરનામું બહાર પડવાની અપેક્ષા છે.
સરકારી આદેશની મુખ્ય વિગતો: આ કરમુક્તિ માત્ર સરકારી બોન્ડ્સ (જી-સેક) પૂરતી જ મર્યાદિત છે, જેમાં એફપીઆઈ પરનો કેપિટલ ગેઈન ટેક્સ ૧૨.૫ ટકાથી ઘટાડીને ૦ ટકા કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, શેરબજાર (ઈક્વિટી) અને કોર્પોરેટ બોન્ડ્સમાં રોકાણ પરના લોંગ ટર્મ કેપિટલ ગેઈન (એલટીસીજી) ટેક્સમાં કોઈ ફેરફાર કરાયો નથી અને તે ૧૨.૫ ટકા યથાવત રહ્યો છે.
સરકારે તમામ એસેટ ક્લાસમાં કરમુક્તિ આપવાને બદલે માત્ર સરકારી બોન્ડ્સમાં રાહત આપીને રૂપિયાની સ્થિરતા જાળવવા અને ઉધાર લેવાના ખર્ચને નિયંત્રણમાં રાખવાનો હેતુપૂર્વકનો નિર્ણય લીધો છે.
બજાર પર અસર: બજારના નિષ્ણાતોના મતે આ નિર્ણયથી શેરબજાર માટે સીધી કોઈ રાહત નથી, પરંતુ તે સરકારનું વિદેશી રોકાણકારો પ્રત્યેનું હકારાત્મક વલણ દર્શાવે છે. સરકારી સૂત્રો જણાવે છે કે આ કોઈ એકમાત્ર પગલું નથી, ભવિષ્યમાં આવા વધુ પગલાં લેવાઈ શકે છે.
આ નિર્ણયથી ભારતીય સરકારી દેવાની યીલ્ડ વધુ આકર્ષક બનશે. આ જાહેરાત બાદ ૧૦ વર્ષના બોન્ડની યીલ્ડ ૧ બીપીએસ ઘટીને ૬.૯૮ ટકા થઈ ગઈ છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષ અને એફપીઆઈના આઉટફ્લો વચ્ચે ભારતીય રૂપિયાને આર્થિક ટેકો આપવા આ પગલું લેવાયું છે.
વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં એફપીઆઈ દ્વારા શેરબજારમાંથી ૨.૫૯ લાખ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા છે, જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૧.૪ અબજ ડોલરનું રોકાણ આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૨૦ મે ના રોજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટીને ૯૬.૯૬ ની સપાટીએ પહોંચી ગયું હતું.*
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
