<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

દવાઓ અને મેડિકલ ડિવાઈસની આયાત સરળ બનશે: CBIC એ કસ્ટમ્સ ક્લિયરન્સ માટે ડિજિટલ ચેકલિસ્ટ જાહેર કર્યું, વેપાર ક્ષેત્રે મળશે મોટી રાહત!

કોસ્મેટિક્સ, દવાઓ અને મેડિકલ સાધનોની આયાતમાં વિલંબ અટકાવવા નવી માર્ગદર્શિકા; માનવહસ્તક્ષેપ ઘટતાં પોર્ટ પર થતો વધારાનો ખર્ચ અને સમય બચશે

નવી દિલ્હી : દેશમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ (Ease of Doing Business) ને પ્રોત્સાહન આપવા અને આયાત પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. CBIC દ્વારા વિદેશથી આયાત કરવામાં આવતા કોસ્મેટિક્સ, દવાઓ (ડ્રગ્સ) અને મેડિકલ ડિવાઈસના કન્સાઈન્મેન્ટના ઝડપી કસ્ટમ્સ ક્લિયરન્સ માટે એક ખાસ ચેકલિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ના સહયોગથી તૈયાર કરાયેલા આ નવા સર્ક્યુલર અનુસાર, હવે આયાતકારોએ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ ૧૯૪૦ હેઠળ જરૂરી તમામ લાઈસન્સ, મંજૂરીઓ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ્સ અગાઉથી જ 'ઈ-સંચેત' (e-SANCHIT) પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. નવી માર્ગદર્શિકા હેઠળ આયાતી ઉત્પાદનોને કુલ સાત અલગ-અલગ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેમાં કોસ્મેટિક્સ, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈંગ્રેડિયન્ટ્સ (API), ફિનિશ્ડ ફોર્મ્યુલેશન્સ અને ઈન-વિટ્રો ડાયગ્નોસ્ટિક કિટ્સનો સમાવેશ થાય છે.

 

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અગાઉ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી મેન્યુઅલ તપાસને કારણે કસ્ટમ્સ પોર્ટ પર માલ અટવાઈ જતો હતો અને કંપનીઓએ ભારે ડેમરેજ ચાર્જ ચૂકવવો પડતો હતો. હવે ચેકલિસ્ટ આધારિત ડિજિટલ સિસ્ટમ અમલી બનતાં પોર્ટ પર કન્સાઈન્મેન્ટનો સમય ઘટશે, જેનાથી દવાઓ અને તબીબી ઉપકરણોનો પુરવઠો દેશભરની હોસ્પિટલોમાં ઝડપથી પહોંચી શકશે.

 

 

(8:27 PM IST)